રણના મૃગજળ જેવી સિંહણની હાલત : કાચબાની ઢાલને બચકા ભરી ભરીને થાકી

ઝામ્બિયાના લોઅર ઝામ્બેઝી નેશનલ પાર્ક જંગલમાં એક ફોટોગ્રાફરને એક રમૂજી દ્રશ્ય જોવા મળ્યું હતું અને તે દ્રશ્ય તેણે પોતાના કેમેરામાં તબક્કાવાર કંડારી લીધું હતું. જોહન સેમ્પસન નામના એક ૬૪ વર્ષીય ફોટોગ્રાફર અને તેના મિત્રોએ જોયું કે એક સિંહણ એક કાચબાને શિકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

જંગલમાં ધીમી ચાલના આ પ્રાણીને જોઇને સિંહણે તેનો શિકાર કરવાનું નક્કી કર્યું અને તેના પર તરાપ મારી પણ કાચબો તેના રક્ષણાત્મક કવચ જેવી ઢાલમાં સંકોચાઇને સંતાઇ ગયો. સિંહણે કાચબાની બચકા ભરીને આ ઢાલને તોડવાના પ્રયાસો કર્યા પણ કાચબાની ઢાલ બહુ જ મજબૂત હોય છે અને સિંહણ ગમે તેટલા દાંત મારે પણ તે તૂટે તેમ ન હતું અને કાચબો ઢાલમાંથી બહાર નીકળતો ન હતો.

જુઓ વીડિયો

સિંહણે બેસી જઇને ઘણી વાર સુધી આ ઢાલ પર બચકા ભર્યા પણ તેના પ્રયાસો નિષ્ફળ રહ્યા. છેવટે થાકી ગઇ હોય તેમ આ સિંહણ ઢાલને જીભ વડે ચાટતી પણ જણાઇ. ઘણો સમય થઇ ગયો એટલે જોહન અને તેના સાથીદારો ગેમ ડ્રાઇવ પર આગળ વધી ગયા. જોહન કહે છે કે અમારા રેન્જરને વિશ્વાસપૂર્વક જણાવ્યું કે આ સિંહણ થાકીને ઢાલ તોડવાનું છોડી દેશે અને આ કાચબો સલામત છટકી જશે.