રાજકીય અસ્તિત્વ બચાવવા હવે હાર્દિક પટેલ પંજાને છોડી ઝાડુ અપનાવે તેવા અણસાર

એક સમયે પાટીદાર અનામત આંદોલનના કારણે હીરો બનેલા અને તે પછી રાજ્યમાં અળખામણો બની ગયેલો હાર્દિક પટેલ પોતાનું અસ્તિત્વ બચાવવા માટેના હવાતિયા મારી રહ્યો છે. કોંગ્રેસમાં સામેલ થયા પછી ત્યાં તેનું કશું નહી વળતા હવે તે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનો હાથ ઝાલવા માટે બેકરાર બની ગયો હોવાની ચર્ચા છે. વળી આપ પણ હવે દિલ્હીની બહાર બીજા રાજ્યોમાં પોતાનું વર્ચસ્વ જમાવવા તૈયારી કરી રહ્યું છે અને ગુજરાતમાં તેઓ હાર્દિક પટેલને પોતાની પાર્ટીમાં સામેલ કરીને જનાધારનો પાયો રચવાનો પ્રયાસ કરી શકે છે.

હાર્દિક આપમાં પ્રવેશ માટે થનગની રહ્યો હોવાના અનુમાનને ત્યારે હવા વધારે મળી જ્યારે હાર્દિક પટેલે દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતવા પર અરવિંદ કેજરીવાલને અભિનંદન પાઠવતા તેમની સાથેનો એક ફોટોગ્રાફ ટ્વીટ કર્યો. આ ટ્વીટ એવા સમયે આવ્યું જ્યારે કોંગ્રેસ દિલ્હીમાં એક પણ બેઠક જીતી શકી નથી. તેવામાં મળતા અહેવાલ મુજબ આગામી મહિનામાં દિલ્હીથી આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ ગુજરાત મુલાકાતે આવી શકે છે. જેઓ ગુજરાતમાં આપને મજબૂત કરવા અંગેના વિકલ્પો તૈયાર કરશે.

જોકે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓએ આ વાતને રદિયો આપાત કહ્યું કે, ‘લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે હાર્દિક કોંગ્રેસમાં છે અને કોંગ્રેસ સાથે જ રહેશે.’ આ નિવેદન પાસના નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અતુલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે હાર્દિકના ટીકાકારોએ કહ્યું કે, ‘તે પોતાની પાર્ટી સાથે જ રાજકીય રમત રમી રહ્યો છે. હાર્દિક રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પર દબાણ લાવીને રાજ્યસભાની ટિકિટ મેળવવા માગે છે અથવા તો કોંગ્રેસમાં કોઈ મહત્વનું પોસ્ટિંગ મેળવવા માગે છે.’

બીજી તરફ આમ આદમી પાર્ટીએ બે વર્ષ પહેલા ગુજરાતમાં પોતાનું સમગ્ર યુનિટ વિખેરી નાખ્યું હતું. જોકે દિલ્હીમાં મળેલી જ્વલંત જીત બાદ ફરી એકવાર આપ પોતાની કિસ્મત અજમાવવા માગે છે. આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી રાજ્યમાં ફરી એકવાર ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે. જો કે હાર્દિકનો સમાવેશ થશે તો પણ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં કોઇ જનાધાર મળશે કે કેમ તે મોટો સવાલ છે. કારણ હાર્દિકની લોકપ્રિયતાનો ગ્રાફ હવે સાવ તળીયે છે અને ગુજરાતમાં આપની લોકપ્રિયતા પણ તળીય જ છે, ત્યારે આવ ભાઇ હરખા આપણે બે સરખા જેવી સ્થિતિ સર્જાઇ શકે છે.