જામનગર: ટ્યુશન ક્લાસ અને ક્લિનિક ચાલતું હતું અને આગ ભભૂકી, સુરતની તક્ષશિલાના આગ્નિકાંડનું રિ-રન થતાં થતાં રહી ગયું

જામનગરના જી.જી. હોસ્પિટલ સામેના દાંડીયા હનુમાન મંદિરની બરાબર સામે આવેલી રાધેક્રિષ્ના એવન્યુ નામની ઈમારતમાં પ્રથમ માળે ચાલતા ક્લિનિકમાં આજે બપોરે શોર્ટસર્કીટના કારણે આગ ભભૂકી હતી. તેની બાજુમાં જ એક ટ્યુશન ક્લાસ ચાલુ હતો તેમાં હાજર વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે લોબીમાંથી નીચે ઉતરી જવું પડ્યું હતું. પોલીસ અને અન્ય લોકોની મદદથી કરાયેલી રેસ્ક્યુ કામગીરીના કારણે વિદ્યાર્થીઓના જીવ તો બચ્યા છે અને ફાયરબ્રિગેડના તાત્કાલીક આવી જવાથી આગ કાબૂમાં આવી છે પરંતુ આ ઈમારતમાં ફાયરસેફ્ટીના કોઈ સાધનો જ ન હોવાનું બહાર આવતા ભારે ચકચાર જાગી છે. સુરતની તક્ષશિલા આર્કેડના બનાવનું જરીકમાં રિ-રન થતાં થતાં રહી ગયું હતું. સુરતની તક્ષશિલામાં આગ ફાટી નીકળ હતી અને 22 બાળકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

જામનગરની જી.જી. હોસ્પિટલ સામેથી ગુરુદ્વારા તરફ જવાના માર્ગ પર આગળ જ એટલે કે દાંડીયા હનુમાન મંદિર સામે આવેલા રાધેકૃષ્ણ એવન્યૂ નામના બિલ્ડીંગના પ્રથમ માળે ડૉ. બત્રાનું ક્લિનીક આવેલું છે. તેમાં આજે બપોરે બારેક વાગ્યે શોર્ટ-સર્કિટ થવાના કારણે આગ ભભૂકી હતી. જોત-જોતામાં આગના લબકારા શરૃ થઈ ગયા હતાં. તેના પગલે પ્રથમ માળે આવેલા સુપર ગ્રેવિટી ક્લાસીસ નામના ટ્યુશન ક્લાસમાં હાજર વિદ્યાર્થીઓમાં તેમજ તે ઈમારતમાં ઓફિસો ધરાવતા આસામીઓમાં નાસભાગ મચી હતી.

આગ લાગ્યાની કોઈએ ફાયરબ્રિગેડને કોઈએ જાણ કરતા ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈના વડપણ હેઠળ ફાયરનો કાફલો બે બંબા સાથે દોડી ગયો હતો. ફાયરના જવાનોએ તાત્કાલીક પાણીનો મારો શરૃ કરી આગને બુઝાવવાની કામગીરી શરૃ કરી હતી જ્યારે સ્થળ પર આવી ગયેલા પોલીસ કાફલામાંથી એલસીબીના પોકો અજયસિંહ ઝાલા તથા ત્યાંના વેપારીઓએ બિલ્ડીંગની બહારની દીવાલ પર ચઢી સુપર ગ્રેવીટી ક્લાસીસમાં હાજર વિદ્યાર્થીઓને સહીસલામત નીચે ઉતારી લેવાની કામગીરી શરૃ કરી હતી. તેની સાથે જ અલગથી સીડી મૂકી વિદ્યાર્થીઓને નીચે ઉતારવામાં આવ્યા હતાં.

આગને બુઝાવવાની કામગીરી ક્રમશઃ આગળ ધપી રહી હતી તે દરમ્યાન સતત ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર ટોળા એકઠાં થઈ ગયા હતાં. અંદાજે એકાદ કલાકમાં ફાયરના જવાનોએ આગને કાબુમાં લઈ લીધી હતી. આગના કારણે ક્લીનીકનું ફર્નિચર સહિતનો માલસામાન સળગીને ખાખ થઈ ગયો હતો. તેમ છતાં સદ્દનસીબે જાનહાનિ અટકી હતી.