બંગાળી બાબુ મોશાયોએ બતાવ્યો પાવર : કર્ણાટકને પછાડી બંગાળ 13 વર્ષમાં પહેલીવાર રણજી ફાઇનલમાં

બંગાળી બાબુ મોશાયોએ કર્ણાટકને પોતાના પાવરનો પરચો બતાવીને અહીં રણજી ટ્રોફીની સેમી ફાઇનલ 174 રને જીતીને 13 વર્ષમાં પહેલીવાર રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. કોલકાતાના ઇડન ગાર્ડન પર રમાયેલી આ મેચમાં બંગાળની જીતનો હીરો ઝડપી બોલર મુકેશ કુમાર પુરવાર થયો હતો. તેણે પોતાની કેરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને 6 વિકેટ ઉપાડી હતી અને તેના કારણે બંગાળની જીત પાકી થઇ હતી.

રણજી સેમી ફાઇનલમાં બંગાળે પોતાના પહેલા દાવમાં 312 રન બનાવ્યા હતા, જેની સામે કર્ણાટકનો પહેલો દાવ 122 રનમાં જ સમેટાઇ ગયો હતો. બંગાળનો બીજો દાવ તે પછી 161 રને સમેટાયો હતો અને કર્ણાટકની સામે 352 રનનો મોટો કહી શકાય તેવો લક્ષ્યાંક આવ્યો હતો. જો કે મુકેશ કુમારની 61 રનમાં 6 વિકેટના પ્રતાપે કર્ણાટકની ટીમ પોતાના બીજા દાવમાં માત્ર 177 રને ઓલઆઉટ થઇ જતાં બંગાળ આ મેચ 174 રને જીતી ગયું હતું. મુકેશ સિવાય ઇશાન પોરેલ અને આકાશ દીપે 2-2 વિકેટ ઉપાડી હતી.