દિલ્હી હિંસાને લઈ સંસદમાં ભારે હંગામો, અમિત શાહના રાજીનામાની માંગ

દિલ્હીમાં હિંસા અટકાવવામાં મોદી સરકાર સરેઆમ નિષ્ફળ થઈ હોવાના આક્ષેપ સાથે આજે સંસદમાં ભારે હોબાળો થતાં બન્ને ગૃહોની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષોએ મોદી સરકાર પર તડાપીટ બદલાવી હતી અને સમયસર તોફાનો રોકવામાં નિષ્ફળ ગયેલા ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી કરી હતી.

રાજ્યસભામાં ગુલામનબી આઝાદે આ મુદ્દો ઊઠાવતા કહ્યું હતું કે તોફાનો શરૃ થયા પછી ત્રણ ત્રણ દિવસ સુધી કેન્દ્ર સરકાર, રાજ્યનું તંત્ર અને પોલીસ તમાશો જોતા રહ્યા હતાં અને તોફાનો અટકાવવા કોઈ કદમ ઊઠાવ્યા નહોતા.

આમ આદમી પાર્ટીના સંજયસિંહ પણ મોદી સરકારના ઢીલા વલણ સામે સવાલો ઊઠાવ્યા હતાં.

લોકસભામાં પણ વિપક્ષોએ સરકાર પર તડાપીટ બોલાવી હતી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગણી પણ સાંસદોએ જોરશોરથી ઊઠાવી હતી.

લોકસભાની કાર્યવાહી સ્વર્ગસ્થ સાંસદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે થઈ હતી. સાંસદોએ શ્રદ્ધાંજલિ આપ્યા પછી લોકસભાની કાર્યવાહી ર વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી, જો કે આ દરમિયાન કોંગ્રેસના ઘણા સાંસદોએ દિલ્હી હિંસામાં મોતને ભેટેલા લોકોને પણ શ્રદ્ધાંજલિ આપવાની માંગ કરી હતી.

તે પહેલા ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દિલ્હી હિંસાને રોકવામાં નિષ્ફળ નિવડી હતી. ચૌધરીએ કહ્યું કે, ‘કોંગ્રેસ સંસદમાં દિલ્હી હિંસાનો મામલો ઊઠાવશે. અમે ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરીશું. દેશની રાજધાનીમાં હિંસા તેમની દેખરેખમાં થઈ હતી. આવું પશ્ચિમ બંગાળમાં પણ થઈ રહ્યું છે. ત્યાં પણ ગોળી મારો સાલો કો, જેવા ઉશ્કેરણીજનક નારા લગાવાઈ રહ્યા છે. ભાજપ દેશને ધર્મના નામે વહેચવાના પ્રયાસ કરી રહ્યો છે. ટૂકડે-ટૂકડે ગેંગની વાસ્તવિક કમાન તો ભાજપના હાથમાં છે. ધીમે-ધીમે આખો દેશ સાંપ્રદાયિક હિંસાના સકંજામાં આવી રહ્યો છે.’

કેન્દ્રીય મંત્રી મેઘવાલે કહ્યું કે, ‘સરકાર દિલ્હી હિંસાના મુદ્દે સંસદમાં હોબાળા માટે તૈયાર છે. વિપક્ષી પાર્ટીઓ તરફથી જે નોટીસ આવી રહી છે, તેમાં દિલ્હી હિંસાનો મુદ્દો ઊઠાવાઈ રહ્યો છે. સરકાર પણ આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ કોઈએ આ મુદ્દે રાજકારણ ન કરવું જોઈએ. આવી ઘટનાઓ ફરી ન બને તેના માટે ચર્ચા થવી જોઈએ’. માનવામાં આવી રહ્યું છે કે આ સત્રમાં સરકાર સરોગેસી અને ટેક્સ વિવાદના નિવેડા માટે નવું બિલ લાવી શકે છે.

આજે લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળા પછી દેશભરમાંથી પણ દિલ્હીની હિંસાના મુદ્દે તિવ્ર પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. બીજી તરફ સરકારે આ મુદ્દે ચર્ચાની તૈયારી બતાવી છે. ગૃહમંત્રી અમિત શાહ આ અંગે ગૃહમાં જવાબ આપશે, તેવા અહેવાલો પણ આવી રહ્યા છે.