દમણના સલીમ મેમણની ઘાતકી હત્યા, સાત શૂટરોએ કર્યું સાત રાઉન્ડ ફાયરીંગ

દમણના મોટા માથા મનાતા અને બિલ્ડર એવા સલીમ મેમણની આજે સાંજે શૂટ આઉટમાં હત્યા કરી દેવામાં આવી હતી. મેમણને તેના જ શો રૂમમાં સાત જેટલા શૂટરોએ આડેધડ ગોળીઓ છોડી રહેંસી નાંખ્યો હતો. અંદાજે સાત રાઉન્ડ ગોળીબાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગોળીઓ વાગ્યા બાદ સલીમ મેમણને નજીકની મરવાડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તે ગુનાહિત ઈતિહાસ ધરાવતો હતો.

સલીમ મેમણ ભાજપનો કાઉન્સીલર હતો અને કેટલાક વર્ષોથી ભાજપમાં સક્રીય હતો. આ સાથે તે જમીન અને બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનાં ધંધામાં પણ હતો. આ ઉપરાંત વ્યાજે નાણા આપવાનો પણ ધંધો કરતો હોવાનું ચર્ચાય છે.

થોડા સમય પહેલા સલીમ મેમણ વિરુદ્વ વલસાડ પોલીસમાં ખંડણી તથા ધાકધમકી આપવાની ફરીયાદ પણ નોંધવામાં આવી હતી અને આ કેસમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.