ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં ભારતીય ટીમની શરમજનક હાર, ન્યુઝીલેન્ડ 7 વિકેટે જીત્યું

વેલિંગ્ટનના બેસિન રિઝર્વ પછી અહીંના હેગલી ઓવલ પર રમાયેલી બીજી ટેસ્ટમાં સીરિઝ ડ્રો કરવાના ઇરાદાથી પહોંચેલી ભારતીય ટીમની બેટિંગ અને સ્થિતિમાં કોઇ જ ફરક ન આવતા ભારતીય ટીમની આ ટેસ્ટમાં શરમજનક હાર થઇ હતી અને ન્યુઝીલેન્ડે આ ટેસ્ટ ત્રીજા દિવસે જ 7 વિકેટે જીતી લઇને 2-0થી ભારતીય ટીમનો સફાયો કર્યો હતો. આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનો આ પહેલો સીરિઝ પરાજય રહ્યો હતો.

ભારતીય ટીમે પહેલા દાવમાં 242 રન બનાવ્યા હતા, તે પછી ભારતીય બોલરોએ ન્યુઝીલેન્ડનો દાવ 235 રને સમેટીને ભારત માટે મોટી શક્યતા ઊભી કરી હતી, જો કે બીજા દાવમાં પણ ભારતીય બેટ્સમેનોનો ફ્લોપ શો ચાલુ રહ્યો હતો અને મેચના બીજા દિવસે ભારતીય ટીમે 90 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. સોમવારે મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ પોતાના સ્કોરમાં 34 રનના ઉમેરામાં બાકીની 4 વિકેટ ગુમાવી દીધી હતી અને ન્યુઝીલેન્ડને વિજય માટે માત્ર 132 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જે તેમણે ટી બ્રેક પહેલા ત્રણ વિકેટના ભોગે અંકે કરી લઇને મેચ 7 વિકેટે જીતી લીધી હતી.

કીવી ઓપનર બીજા દાવમાં જે રીતે રમી રહ્યા હતા તેને જોઇને લાગતું હતું કે તેઓ આ મેચ 10 વિકેટે જીતી જશે. આ બંનેએ પહેલી વિકેટની ભાગીદારીમાં 103 રન ઉમેર્યા હતા. ઉમેશ યાદવે લાથમની વિકેટ ઝડપીને પહેલી સફળતા અપાવી હતી અને તે પછી બુમરાહે કેન વિલિયમ્સન તેમજ બ્લંડેલને આઉટ કર્યા હતા. ન્યુઝીલેન્ડ માટે બાકીનું કામ રોસ ટેલર અને હેનરી નિકોલસે પુરૂ કર્યું હતું. આ પહેલા સવારે ભારતીય ટીમનું નાક બચાવવાની જવાબદારી જેમના શીરે હતી તે હનુમા વિહારી અને ઋષભ પંત બંને નિષ્ફળ રહ્યા હતા અને સ્કોર 97 પર પહોંચ્યો ત્યા સુધીમાં એ બને પેવેલિયન ભેગા થયા હતા. પહેલા દાવમાં પાંચ વિકેટ લેનારા કાઇલ જેમિસનને મેન ઓફ ધ મેચા જાહેર કરાયો હતો.