નામ બદલવાનું રાજકારણ હવે જમ્મૂ પહોંચ્યું, આ જગ્યાઓનાં નામ બદલી નંખાયા

જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશને જમ્મુની મધ્યમાં આવેલા ઐતિહાસિક સિટી ચોકનું નામ બદલીને ભારત માતા ચોક કરી નાંખ્યું છે. જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાછલી ચૂંટણીમાં ભાજપે 75માંથી 43 વોર્ડમાં જીત હાંસલ કરી હતી. જેએમસીના ડેપ્યુટી મેયર પૂર્ણિમા શર્માએ મીડિયાને જણાવ્યું હતું કે, દર વર્ષે જ્યારે પણ સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિન પર અહીં ધ્વજવંદન થાય છે ત્યારે લોકો ભારત માતા કી જયના નારા લગાવે છે. લોકોની લાગણી નામ બદલવાની માંગ દર્શાવી રહી છે.

ડેપ્યુટી મેયર પૂર્ણિમા શર્માએ કહ્યું કે6 સપ્ટેમ્બરના રોજ જેએમસીમાં આ ઠરાવ પસાર કરાયો, પરંતુ તે મુલતવી રાખવામાં આવ્યો. આ વખતે ધ્વનિ મત દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો. જ્યારે સર્કયુલર રોડ ચોકનું નામ અટલ ચોક રાખવામાં આવ્યું છે. શહેરની મધ્યમાં સ્થિત આ સર્કલ જમ્મુનું મુખ્ય વ્યાપારી કેન્દ્ર છે. જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશને નામ બદલવાની જાહેરાત કરવા માટે સાઇન બોર્ડ લગાવ્યું છે.

તમને જણાવી દઈએ કે આ ગીચ ચોક હંમેશા રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે. ભૂતકાળમાં ઘણા અગ્રણી રાજકારણીઓએ આ ચોકમાં ભાષણ આપ્યા હતા.

આ ઉપરાંત જમ્મુના મહત્વના સ્થળ અને જ્યાં સ્વતંત્રતા અને પ્રજાસત્તાક દિન પર તિરંગો લહેરાવવામાં આવે છે તેવા સિટી ચોક અને સર્કયુલર રોડનું નામ અનુક્રમે ભારત માતા ચોક અને અટલજી ચોક રાખવામાં આવ્યું છે.