જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો કેસ લાર્જર બેન્ચને મોકલાશે નહીં: સુપ્રીમ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવાના કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. ચૂકાદામાં કોર્ટે કહ્યું છે કે, આ કેસ મોટી બેન્ચને મોકલવામાં  નહીં આવે. સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણી જસ્ટીસ એનવી રમન્ના, જસ્ટીસ સંજય કીશન કૌલ, જસ્ટીસ આર સુભાષ રેડ્ડી, જસ્ટીસ બીઆર ગવઈ અને જસ્ટીસ સૂર્યકાંતની બંધારણીય બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાના મુદ્દે 23 અરજીઓ વિશે સુનાવણી થઈ રહી છે.

હકીકતમાં અરજીકર્તાઓએ પાંચ જજની બંધારણીય બેન્ચને બે અલગ અલગ અને વિરોધાભાસી નિર્ણયની  વાત કરીને કેસને મોટી બેન્ચ પાસે મોકલવાની માંગણી કરી હતી. આ વિશે સુનાવણી કરતા જસ્ટિસ એનવી રમન્નાની આગેવાનીમાં પ જજની બંધારણીય બેન્ચે 23 જાન્યુઆરીએ નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો. આજે કોર્ટે ચૂકાદો આપતા કહ્યું છે કે, આ મુદ્દો મોટી બેન્ચને મોકલવામાં નહીં આવે.

કેન્દ્ર સરકારે આ અરજીઓનો વિરોધ કર્યો હતો. કેન્દ્રની દલીલ છે કે, જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં ફેરફાર માટે કલમ 370 હટાવવો જ એકમાત્ર વિકલ્પ હતો. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે દરેક પક્ષની દલીલ સાંભળી હતી અને મોટી બેન્ચમાં કેસ મોકલવા મામલે ચૂકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, આ કેસની સુનાવણી કર્યા પછી અમે ફરી આ વિશે વિચાર કરીશું. કે આ કેસને ક્યાં મોકલવો.

કેન્દ્ર સરકાર તરફથી અટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું હતું કે ભાગલાવાદીઓ ત્યાં હંમેશાં જનમત સંગ્રહનો મુદ્દો ઊઠાવતા આવ્યા છે, કારણ કે તેઓ જમ્મુ-કાશ્મીરને અલગ રાજ્ય બનાવવા ઈચ્છે છે. તેમણેકહ્યું હતું કે, ભાગલાવાદીઓ અલગ રાજ્ય ઈચ્છે છે, જેને યોગ્ય ન ગણાવી શકાય.