દિલ્હી હિંસા: મૃત્યુઆંક 46, નાળામાંથી મળી રહી છે લાશો

દિલ્હીમાં ત્રણ દશકની સૌથી વિનાશકારી કોમી હિંસામાં મોતનો આંકડો વધીને આજે 46 ઉપર પહોંચી ગયો હતો. મૃતદેહો મળવાનો સિલસિલો આજે પણ જારી રહ્યો હતો. બીજી બાજુ પોલીસે જુદા જુદા નાળામાં મૃતદેહોની શોધખોળ જારી રાખી છે. કેટલાક લોકો હજુ લાપતા હોવાના હેવાલ મળી રહ્યા છે. બીજી બાજુ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે. કઠોર નિયંત્રણ લાગુ કરવામાં આવ્યા છે. જીટીબી હોસ્પિટલામાં મોતનો આંકડો સૌથી વધારે 38 થયો છે. લોકનાયક હોસ્પિટલમાં મોતનો આંકડો ત્રણ રહેલો છે.

ઉત્તરપૂર્વીય દિલ્હીમાં ગયા રવિવારના દિવસે રમખાણોની શરૃઆત થઇ હતી જે ત્રણ દિવસ સુધી જારી રહ્યા હતા. હજુ સુધી 46ના મોત થઇ ચુક્યા છે જેમાં આઈબીના કર્મચારી અંકિત શર્મા અને હેડકોન્સ્ટેબલ રતનલાલનો પણ સમાવેશ થાય છે. ઘાયલોની સંખ્યા 300થી પણ વધારે નોંધાઈ છે. ઉત્તરપૂર્વીય દિલ્હીમાં પોલીસ વહીવટીતંત્રના કઠોર વલણ બાદ સ્થિતિને સામાન્ય બનાવવામાં સફળતા મળી રહી છે. બીજી બાજુ જેમ જેમ દિવસો પસાર થઇ રહ્યા છે તેમ મૃતકોની સંખ્યા પણ વધી રહી છે આજે દિલ્હી પોલીસને ત્રણ મૃતદેહ હાથ લાગ્યા હતા. ગોકુલપુરીના નાબામાં એક મૃતદેહ મળ્યો હતો. આ એજ વિસ્તાર છે જ્યાંથી ઇન્ટેલીજન્સ બ્યુરોના અધિકારી અંકિત શર્માનો મૃતદેહ સેંકડો ચાકુના ઘા સાથે મળી આવ્યો હતો.

દિલ્હી પોલીસના વડા એસએન શ્રીવાસ્તવે માહિતી આપતા કહ્યું છે કે, સોશિયલ મીડિયા પર અફવાઓ ઉપર ધ્યાન નહીં આપવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. કોઇપણ માહિતી અંગે  પોલીસને જાણ કરવા સૂચના અપાઈ છે. શનિવારના દિવસે જવાબદારી સંભાળી લીધા બાદ દિલ્હી પોલીસના વડા શ્રીવાસ્તવે કહ્યું છે કે તેમની પ્રાથમિકતા રાષ્ટ્રીય પાટનગરમાં શાંતિ સ્થાપિત કરવાની રહેલી છે. ત્રણ દશકમાં સૌથી વિનાશક હિંસાઓ દિલ્હીમાં થઇ ચુકી છે.

તેમણે કહ્યું કે મોટાભાગના વિસ્તારો હજુ પણ સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે છે. જે વિસ્તારોમાં સૌથી વધુ હિંસા થઇ હતી તેમાં જાફરાબાદ, મોજપુર, બાબરપુર, ચાંદબાગ, શિવવિહાર, ભજનપુરા, યમુનાવિહાર વિસ્તારનો સમાવેશ થાય છે. આ તમામ ઉત્તરપૂર્વીય દિલ્હીના વિસ્તારો છે જ્યાં ૪૫ના મોત થઇ ચૂક્યા છે. કરોડોની સંપત્તિને નુકસાન થયું છે. મોટી સંખ્યામાં મકાનોને આગ ચાંપી દેવામાં આવી છે. દુકાનો અને વાહનો તથા પેટ્રોલ પંપને આગ ચાંપવામાં આવી હતી.