ગુજરાતમાં દારુની રેલમછેલ અંગે અલ્પેશ ઠાકોરે પોલીસના આ નિર્ણયને ઠેરવ્યો જવાબદાર

ગુજરાતમાં રોજેરોજ પકડાતા દારૃનોા વિપુલ જથ્થા અને દારૃની પાર્ટીઓ ચાલતી હોવાથી વિપક્ષ તો રૃપાણી સરકાર પર તડાફડી બોલાવી જ રહ્યો છે, પરંતુ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોરે પણ રાજ્યમાં દારૃ બેધડક બહારના રાજ્યોમાંથી આવતો હોવાનું જણાવી સરકાર સામે અંગૂલી નિર્દેશ કર્યો છે.

છેલ્લા બે દિવસમાં રૃપાણી સરકાર પર વિપક્ષના નેતાઓ તડાપીટ બોલાવી રહ્યા છે, કારણ કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં દારૃબંધીના ધજાગરા ઊડાવતી ઘટનાઓ બની રહીછે. રૃપાણી સરકાર સામે વિપક્ષના નેતાઓ તો તડાપીટ બોલાવી જ રહ્યા છે, પરંતુ હવે કોંગ્રેસમાંથી વિપક્ષમાં ગયેલા યુવા નેતા અલ્પેશ ઠાકોરે પણ ગુજરાતમાં બેધડક દારૃના વાહનો ચાલી રહ્યા હોવાની અને રાજ્યમાં દારૃબંધીનો અમલ ઢીલો થઈ રહ્યો હોવાનું જણાવી સરકાર સામે જ આંગળી ચીંધી છે.

મીડિયા સાથે વાતચીત કરતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, સરકારે આરટીઓની ચેકપોસ્ટ હટાવી લીધી તે ઠીક છે, પરંતુ રાજ્યની સરહદો પરથી પોલીસની ચેકપોસ્ટો હટાવી લેતા બીજા રાજ્યોમાંથી દારૃ ભરેલા વાહનો બેરોકટોક પ્રવેશી રહ્યા છે. આ કારણે જ રાજ્યમાં ઠેર-ઠેર દારૃનો વિપુલ જથ્થો પકડાઈ રહ્યો છે. રાજ્યની સરહદો ખુલ્લી રહેલી સરહદોના કારણે આવું બની રહ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યની સરહદો પર સીસી ટીવી કેમેરા લગાવવા અને પોલીસની ચોકીઓ પૂનઃ કાર્યરત કરવાની જરૃર છે.

તેમણે કહ્યું કે દારૃબંધી કડક તો બની, પરંતુ તેનો અમલ યોગ્ય રીતે થતો નથી. તેમણે કહ્યું કે તંત્રો દ્વારા હપ્તાખોરી થઈ રહી હોય તો તેની સામે પગલાં લેવા જરૃરી છે. દારૃબંધીના કાયદાનો કડક અમલ થવાની સાથે સાથે ભદ્રસમાજમાં પણ વિસ્તરી રહેલું દારૃનું દૂષણ હટાવવા સંસ્થાઓ અને સમાજોએ પણ આગળ આવવું પડશે. ઠાકોર અને ઓબીસી સમાજમાંથી દારૃનું દૂષણ ઘણું ઓછું થયું છે, પરંતુ ભદ્રસમાજમાં આ દૂષણ વધી રહ્યું છે.

અલ્પેશ ઠાકોરે દારૃબંધીના ઢીલા અમલ સામે તેમનું આંદોલન સામાજિક રીતે ચાલતું જ રહેશે, તેમ જણાવી જનજાગૃતિની જરૃર જણાવી છે. ભાજપના જ યુવા નેતાએ આવું વલણ લેતા ભાજપ ક્ષોભમાં મૂકાયો છે.