સુપ્રીમ કોર્ટે નિર્ભયા કેસના આરોપી પવનની ક્યુરેટિવ પિટીશન ફગાવી

નિર્ભયા ગેગરેપ અને હત્યાનાચોથા આરોપી પવનની ક્યુરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે સોમવારે ફગાવી દીધી હતી. પવને પોતાની અરજીમાં કહ્યું હતું કે જ્યારે આ ઘટના બની ત્યારે તે સગીર હતો. આ મામલે તેની રિવ્યુ પિટીશન પહેલાથી જ ફગાવી દેવાઇ છે. 5 જજીસની બેન્ચે સર્વસંમતિથી પવનની ક્યુરેટિવ પિટીશન ફગાવી દેવાનો નિર્ણય કર્યો હતો. આ અરજીની સુનાવણી જસ્ટિસ એન. વી. રમણ, જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ આર. એફ. નરીમન, જસ્ટિસ આર. ભાનુમતિ અને જસ્ટિસ અશોક ભૂષણ સામેલ હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ત્રીજી વાર 3 માર્ચ માટે પવન ગુપ્તા સહિત ચાર દોષિતો વિરુદ્ધ પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરન્ટ જાહેર કર્યું હતું.

પવન કુમાર જ એક માત્ર એવો દોષી છે જેની પાસે હજુ કેટલાક કાયદાકિય વિકલ્પ બચ્યા હતા. તેમાં ક્યૂરેટિવ પિટીશન તો ફગાવી દેવામાં આવી છે. હવે માત્ર દયા અરજીનો વિકલ્પ બચ્યો છે. પવનના વકીલ એ.પી. સિંહે કહ્યું કે હવે રાષ્ટ્રપતિની પાસે દયાર અરજી કરશે. તેની સાથે જ ચારેય દોષિતોની શારીરિક અને માનસિક સ્થિતિ જાણવા માટે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી)ને નિર્દેશ આપવાની માંગને લઈ શનિવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છૈ. તેની ઉપર પણ આજે સુનાવણી થઈ શકે છે. આ ઉપરાંત ફાંસી પર સ્ટેની માંગવાળી અરજી ઉપર પણ સુનાવણી થશે.