સુરતના ડૂમસ રોડ પર દારુની મહેફિલના રંગમાં પડ્યો ભંગ : 13 યુવતીઓ સહિત 50ની અટકાયત

સુરતના ડુમસ રોડ પાસે આવેલા એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલના રંગમાં ત્યારે ભંગ પડેયો હતો જ્યારે ત્યાં પોલીસે રેડ પાડી હતી. કેટલાક નબીરાઓ દ્વારા આ લીપ યર પાર્ટીનું આયોજન કરાયું હતું. પોલીસને બાતમી મળી હતી કે, અહીં દારૂની મહેફિલ ચાલી રહી છે. રેડ પાડતા 13 યુવતીઓ સહિત 50થી વધુની અટકાયત કરવામાં આવી છે. જેમાથી 25 યુવક અને 2 યુવતીઓ સામે ગુનો નોંધાયો છે.

પીઆઇ આર એન પટેલે જણાવ્યું હતું કે, આશીર્વાદ ફાર્મ હાઉસમાં ચાલતી મહેફિલ બાબતે માહિતી મળતા પોલીસે ડુમસ આશીર્વાદ ફાર્મ હાઉસમાં રેડ પાડી હતી. જ્યાંથી 13 યુવતી સહિત 50થી વધુને અટક કરી પોલીસ સ્ટેશનમાં લવાયા છે. આગળની તપાસમાં જે કોઈ પણ દારૂ કે કોઈ પ્રકારનું વ્યસન કર્યું હશે તો તે વિશે તપાસ કરી ચોક્કસ કાયદેસરના પગલાં ભરીશું. તમામ 17 થી 25 વર્ષની ઉંમર ના હોવાનું બહાર આવ્યું છે.

ફાર્મ હાઉસ પર એક તરફ દારૂની મહેફિલ ચાલી રહી હતી ત્યારે ડુમ્મસ પોલીસે અહીં છાપો મારી રંગમાં ભંગ પાડયો હતો. પોલીસે બ્રેથ એનેલાઈઝર મશીન દ્વારા તપાસ પણ કરી. જ્યાં તમામ લોકો દારૂના નશામાં હોવાનું બહાર આવ્યું હતું. ફાર્મ હાઉસ પરથી પોલીસને ત્રણ પેટી બિયર તેમજ વોડકાની 3 બોટલો મળી આવી હતી. આ દારૂનો જથ્થો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ પોલીસે 13 ફોર વ્હીલર પણ કબજે કરી છે. ઝડપાયેલ તમામ લોકોને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા હતા.