ગુજરાત રેલવે પોલીસની એપમાં પાકિસ્તાની ટ્રેનનો ફોટો, તો પોલીસ અધિકારીઓએ આપ્યો આવો જવાબ

ચાલતી ટ્રેનમાં ચોરી અને લૂંટની ઘટનાઓથી મુસાફરોને સુરક્ષિત રાખવાના હેતુંથી ગુજરાત રેલવે પોલીસ દ્વારા સુરિક્ષત સફર એપ બનાવવામાં આવી છે. શનિવારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એપનું લોન્ચીંગ કર્યું હતું. પરંતુ આ એપમાં ભારતમાં ચાલતી ટ્રેનોના બદલે પાકિસ્તાનમાં ચાલતી ટ્રેનનો ફોટો હોમપેજ પર મૂકવામાં આવ્યો છે, આના કારણે એપ ડેવલોપરથી લઈને પોલીસ અધિકારીઓ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.

હકીકતમાં એપિલેશનમાં ટ્રેનનો જે ફોટા છે તેમાં ટ્રેનનો રંગ જોઈ જ ખ્યાલ આવીજાય છે કે ભારતમાં આવા રંગની કોઈ ટ્રેન ચાલતી નથી અને લીલા રંગની ટ્રેન પાકિસ્તાનમાં ચાલે છે. ગૂગલ સર્ચ એન્જિનમાં સર્ચ કરતાં પણ આવા રંગની ટ્રેન પાકિસ્તાનમાં હોવાનું જણાઈ આવી રહ્યું છે. આટલું જ નહીં પાકિસ્તાની ચેનલ જિઓ ટીવીની વેબસાઈટ પર લખાયેલા પાકિસ્તાની ટ્રેનના રિપોર્ટમાં પણ આવા જ લીલા રંગની ટ્રેન મૂકવામાં આવી હોવાનું વિદિત થઈ રહ્યું છે. એપમાં ટ્રેનનો નંબર 6019 લખવામાં આવ્યો હોવાનું જણાય છે. ગૂગલ સર્ચમાં આ નંબરની ટ્રેન પાકિસ્તાનમાં દોડતી હોવાનું જણાઈ આવી રહ્યું છે.

આ વાત મીડિયા અને સોશિયલ મીડિયામાં પહોંચ્યા પછી રેલવે પોલીસનું તંત્ર હરકતમાં આવ્યું. રેલવે પોલીસના ડીઆઈજીએ આ અંગે કહ્યું કે  એપ્લિકેશન બનાવનારે પાકિસ્તાની ન્યૂઝથી આ ફોટો અપલોડ કર્યો હોવાની આશંકા છે. આખોય મામલો સામે આવતા તરત જ ડેવલોપરનો સંપર્ક કરવામાં આવ્યો છે અને ડેવલોપરે વહેલામાં વહેલી તકે ભૂલને સુધારવાની ખાતરી આપી હોવાનું જણાવ્યું છે.

મહત્વની વાત એ છે કે એપ ડેવલોપરને એપ્લિકેશન બનાવતી વખતે ભારત અને પાકિસ્તાનની ટ્રેન અંગેનો ખ્યાલ ન હોય એ વાત ગળે ઉતરી રહી નથી. રેલવે પોલીસના અધિકારીઓ તથા નેતાઓને પાકિસ્તાન અને ભારતની ટ્રેન વચ્ચેના તફાવતની જાણકારી ન હોય એવું સંભવી શકે નહીં. એપમાં પાકિસ્તાની ટ્રેનના ફોટોને લઈ સવાલો થઈ રહ્યા છે.