રાજકોટનો પ્રકૃતિ પ્રેમી પરિવાર: 50 હજારનો ચાંલ્લો પક્ષીઓ-પ્રાણીઓ માટે વાપરશે

રાજકોટમાં પ્રકૃતિ અને પક્ષીઓ માટે કામ કરતા દવે પરિવારે દીકરીના લગ્ન પ્રસંગે આવેલી ચાંલ્લાની રકમ પક્ષી અને પ્રાણીઓની સેવામાં વાપરવાનો નિર્ધાર કર્યો છે. દીકરી અંજલી પિતાના પગલે પક્ષી અને પ્રકૃતિની સેવામાં જોતરાયેલી હતી જ્યારે તેનું લગ્ન આવ્યું ત્યારે તેણે પિતા સામે ઇચ્છા વ્યક્ત કરી હતી કે મારા લગ્ન પ્રસંગે આવનારી ચાંલ્લાની રકમ પક્ષીઓ અને પ્રાણીઓની સેવા માટે વપરાય. લગ્નમાં કુલ ૪૯ હજાર રૂપિયા ચાંલ્લો પરિવારને મળ્યો તેમાં પરિવારે એક હજાર રૂપિયા ઉમેરી અને ૫૦,૦૦૦ રૂપિયાની રકમ પક્ષીઓ અને પ્રાણીઓના લાભાર્થે વાપરવાનું નક્કી કર્યુ છે.

સામાન્ય રીતે અત્યારના જમાના મુજબ લગ્ન કે અન્ય પ્રસંગો માં સેવાકીય પ્રવૃત્તિ કરવાની પ્રથા જોવા મળી રહી છે, ત્યારે આવી પ્રથા ફક્ત શહેરોમાં જ નહિ પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી છે.

રાજકોટ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ૩૫ વર્ષથી વૃક્ષારોપણ, પ્રાણી-પક્ષીની સારવાર અને પર્યાવરણ સંરક્ષણ, સર્પ સંરક્ષણ, ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય આપવાની ઉમદા પ્રવૃત્તિ કરી રહેલા હિતેશભાઈ દવે અને તેમના પરિવારજનોના દીકરી અંજલીના શુભલગ્નનો પ્રસંગ આવ્યો હતો.જેમાં દીકરી અંજલીની ઈચ્છા મુજબ અને પિતા યોગેશભાઈ અને માતા બિંદીયાબેનના માર્ગદર્શનથી લગ્નપ્રસંગે આવેલી ચાંદલાની તમામ રકમ વૃક્ષ વાવેતર, પ્રાણી-પક્ષી, સારવાર અને સેવા કાર્યમાં વાપરવાનો સંકલ્પ કર્યો છે.

ગોંડલ શહેર અને આસપાસના ૧૦૦ જેટલા ગામડાઓમાં આ પરિવાર હિતેશભાઈ દવેના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ, વૃક્ષ વિતરણ, ઘાયલ પ્રાણી પક્ષીની સારવાર, ગરીબ વિદ્યાર્થીઓને ગરીબ પરિવારોને શૈક્ષણિક આર્થિક અનાજ દવા તેમજ તબીબી સહાય સાથે સર્પ સંરક્ષણ પ્રદૂષણ નિવારણ વગેરે કરે છે.તેઓ અનેક ક્ષેત્રમાં છેલ્લા ૩૫ વર્ષથી અવિરત સેવા કરી રહ્યાં છે .

આ અમૂલ્ય સેવાકાર્યમાં હિતેશભાઈ દવેની સાથે તેમના ભાઈ યોગેશ દવે, હરેશ દવે પરિવારની મહિલાઓ પરિવારના નાના મોટા બાળકો તમામ સભ્યો માનવસેવા પ્રકૃતિસેવાના કાર્યોમાં સહભાગી થઈ રહેલા છે.ઉલ્લેખનીય છેકે જે રીતે અત્યારના સમય મુજબ પર્યાવરણ બચાવવું ખુબ જરૂરી બની ચુક્યું છે અને જે રીતે વૃક્ષો ની સંખ્યા વધવાને બદલે ઘટી રહી છે જે આવનારી પેઢી માટે ચિંતાનો વિષય છે.