એકબીજા વિના ચાલ્યું નહીં, 34 દિવસ બાદ બીજી વખત સુરતનો વેવાઈ અને નવસારીની વેવાણ ભાગી ગયા

સુરતનો વેવાઈ અને નવસારીની વેવાણના ચર્ચાસ્પદ કિસ્સામાં ફરી એક વાર સનસનાટીપૂર્ણ વળાંક આવ્યો છે. 34 દિવસ બાદ ફરી એક વાર વેવાઈ અને વેવાણ ભાગી ગયા હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેેસેજ મુજબ વેવાઈ અને વેવાણને એકબીજા વિના ગમતું ન હતું અને વેવાઈના ઘરે પર કજિયો વધી ગયો હોવાની ચર્ચા સોશિયલ મીડિયામાં થઈ રહી છે. હજુ સુધી આ અંગે કશુ નક્કર કે કન્ફર્મ કરી શકાય તેવી વિગતો હાથવગી થઈ રહી નથી. પરંતુ સોશિયલ મીડિયાની માનીએ તો વેવાઈ અને વેવાણે ફરી વાર ભાગી જઈને સનસનાટી મચાવી દીધી છે.

21મી જાન્યુઆરીએ સુરતમાંથી વેવાઇ-વેવાણ ભાગી ગયા હતાં. 26મીએ જાન્યુઆરીએ નવસારીના વિજલપોર પોલીસ સ્ટેશનમાં વેવાણ હાજર થઇ હતી.નવસારી પોલીસ સ્ટેશનમાં વેવાઈ અને વેવાણે માત્ર એટલું જ લખાવ્યું હતું કે અમારાથી ભૂલ થઈ ગઈ છે. ત્યાર બાદ વેવાણને લઈ તેના પિતા પિયરીયે લઈ ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, 14મી ફેબ્રુઆરીએ  બાળકોના લગ્ન પહેલા જ વેવાઈ અને વેવાણ ભાગી ગયા હતા. દીકરાના લગ્ન પહેલા પિતા વેવાણને લઈને ભાગ્યા હતા. અગાઉ એકબીજાથી પરિચિત અને ભૂતપૂર્વ પ્રેમી-પ્રેમિકા સંતાનોને પરણાવવાને બદલે એકબીજાની સાથે ભાગી ગયા હતા. માતા-પિતા એટલે કે વેવાઈ-વેવાણ ભાગી જતા બંને પરિવારોએ લગ્નનો ઈન્કાર કરી દીધો હતો અને બાળકોના લગ્ન પણ તૂટી ગયા હતા.