સુરતના પોલીસ અધિકારી સામે દલિત, ઓબીસી અને મુસ્લિમ સમાજમાં ઉકળતો ચરુ, જાણો આખો મામલો

સીએએ-એનઆરસી વિરૂદ્ધ દિલ્હીના શાહિનબાગથી શરૂ થયેલું વિરોધ પ્રદર્શન ધીમે-ધીમે દેશભરમાં ફેલાઈ રહ્યું છે. જો કે, સુરતમાં શરૂ થયેલા પ્રદર્શનને લઈ રજૂઆત કરવા ગયેલા દલિત, ઓબીસી અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે એસીપી કક્ષાના અધિકારી દ્વારા અપમાનજનક અને વણછાજતું વર્તન કરવામાં આવતા ભભૂકતો રોષ જોવા મળી રહ્યો છે.

સુરતના રાંદેરમાં ચાલી રહેલા ધરણાં-પ્રદર્શનને લઈ પોલીસ સમક્ષ રજૂઆત કરવા ગયેલા મુસ્લિમ અને એસસી-એસટી-ઓબીસી સમાજના અગ્રણીઓ સામે મદદનીશ પોલીસ કમિશનર ડીએમ પટેલે  હલકી કક્ષાની ભાષાનો ઉપયોગ કરતાં ભરે હોબાળો મચી ગયો છે.

ધરણાં પ્રદર્શન ચાલુ રાખવા માટે રજૂઆત કરવા ગયેલા અગ્રણીઓને અપમાનજનક રીતે પાકિસ્તાની-બાંગ્લાદેશી કહીને અણછાજતુ વર્તન કરવામાં આવ્યું હતું. મદદનીશ પોલીસ કમિશનર ડીએમ પટેલ સામે આકરી કાર્યવાહી કરવાની માંગ સાથે રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, ડીજીપી સહિત સુરતના પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યા છે તેમજ ઈ-મેલ કરવામાં આવ્યો હોવાનું અગ્રણીઓએ મીડિયાને જણાવ્યું હતું.

એસીપી સમક્ષ રજૂઆત કરવા ગયેલા અગ્રણીઓ પૈકી એસસી-એસટી-ઓબીસી સમાજના અગ્રણીઓને ડીએમ પટેલે જણાવ્યું હતું કે, સીએએ કે એનઆરસીમાં મુસ્લિમો સામે કાર્યવાહી થવાની છે તો તમે આવા પાકિસ્તાનીઓને કેમ સપોર્ટ કરી રહ્યા છો. એસીપીની વાત સાંભળતા જ આગેવાનો ક્રોધિત થઈ ગયા હતા અને એસીપીને આવી રીતે વાત નહીં કરવા વિનંતી કરી હતી. પરંતુ પોલીસ અધિકારીએ તેમની વાત કાને નહીં ધરતા તમામને કચેરીની બહાર નીકળવાની ફરજ પડી હતી.