બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જોનસનની ગર્લફ્રેન્ડ છે પ્રેગ્નન્ટ : બાળકના જન્મ પહેલા બંને લગ્ન કરશે

બ્રિટીશ વડાપ્રધાનની ગર્લફ્રેન્ડ પ્રેગ્નન્ટ હોવાની માહિતી જાહેર થઇ છે. ખાસ વાત એ છે કે આ બંને હવે બાળકનો જન્મ થાય તે પહેલા લગ્ન કરી લેશે, શનિવારે જ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન (55) અને તેની ગર્લફ્રેન્ડ કેરી સિમંડ્સે (31) સગાઈ કરી લીધી હોવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે તેમ પણ જણાવ્યું કે, તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે.

વાત એમ છે કે, બોરિસ જોનસની ગર્લફ્રેન્ડ પ્રેગ્નેન્ટ છે અને તેઓ વડાપ્રધાન બન્યા તે પહેલાથી એકબીજાની સાથે રહે છે. આ સિવાય તેમ પણ કહેવાઈ રહ્યું છે કે બાળકનો જન્મ થશે તે પહેલા જ બંને લગ્ન કરી લેશે. બ્રિટિશ મીડિયાના જણાવ્યા પ્રમાણે, બ્રિટનના 250 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર તેવું બનશે જ્યારે પદ પર રહીને કોઈ વડાપ્રધાને લગ્ન કર્યા હોય. 55 વર્ષીય જોનસનના બેવાર ડિવોર્સ થઈ ચૂક્યા છે. તેમણે વર્ષ 2018માં પોતાનું 26 વર્ષનું લગ્નજીવન ભાંગી પડ્યું હોવાનું જણાવ્યું હતું.

રિપોર્ટ્સ પ્રમાણે હાલ વડાપ્રધાનના સરકારી આવાસમાં જોનસન અને કેરી સાથે રહે છે. કેરી એક પર્યાવરણ કાર્યકર્તા છે અને પર્યાવરણને લગતી કેટલીક યોજનાઓ પર કામ કરી રહી છે. બોરિસ જોનસન અને તેમની ગર્લફ્રેન્ડ કેરી સિમંડ્સ ન્યૂ યર સાથે સેલિબ્રેટ કરવા માટે સેંટ લુસિયા ગયા હતા. આ દરમિયાન બંનેએ સામાન્ય પેસેન્જરોની જેમ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી હતી.