60 વર્ષના શિપ કેપ્ટનની પાણીમાં ડુબતી મહિલાને બચાવવા 40 ફૂટ ઉંચેથી છલાંગ

પોતાના જીવને જોખમમાં મુકીને અન્યનો જીવ બચાવવા માટે કરાયેલો પ્રયાસ હંમેશા કાબિલે તારીફ રહે છે અને એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિ અન્યો માટે જીવે છે તે જ માનવતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડી શકે છે. મ્યાનમારના એક શિપના 60 વર્ષના કેપ્ટને આ વાતને સાચી સાબિત કરી છે. પાણીમાં ડુબી રહેલી એક મહિલાને બચાવવા માટે બીજો કોઇપણ વિચાર કર્યા વગર શિપના કેપ્ટને 40 ફુટની ઊંચાઈએથી કૂદીને એ મહિલાનો જીવ બચાવ્યો છે.

આ ઘટના મ્યાનમારના ડાલા પોર્ટની છે. અહીં 34 વર્ષીય મબિલા કિન ચાન મ્યા શિપમાંથી નીચે પાણીમાં પડી ગઈ. મહિલા પડી એ દિશામાં ઝડપથી બીજી શિપ આવી રહી હતી. ત્યારે એકપણ મિનિટ વેડફ્યા વિના શિપના 60 વર્ષીય કેપ્ટન યૂ માએંટે 40 ફુટ ઊંચેથી પાણીમાં છલાંગ લગાવી અને મહિલાનો જીવ બચાવ્યો હતો. મહત્વની વાત એ હતી કે આ દરમિયાન બંદરે ઊભેલા અન્ય બે યુવાનોએ પણ મહિલાનો જીવ બચાવવા માટે પાણીમાં ભૂસકો માર્યો હતો.

કેપ્ટન યૂ માએંટે જણાવ્યું કે, તેઓ ઘણા વર્ષોથી અહીં કામ કરે છે અને તેમણે ઘણાં લોકોના જીવ બચાવ્યા છે. મહિલાને મદદ કરવા અંગે કેપ્ટને કહ્યું, “એ વખતે મારા મનમાં માત્ર મહિલાનો જીવ બચાવવાની ચિંતા હતી. હું તેને બચાવવા માગતો હતો. હું તો ઘરડો થઈ ગયો છું મરી ગયો તો પણ શું વાંધો. પરંતુ તે મહિલા યુવાન હોવાથી તેને બચાવવી જરૂરી હતી.” પાણીમાંથી બહાર કાઢીને મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ હતી. મહિલા બેભાન તો નહોતી થઈ પણ આઘાતમાં હતી. સ્થાનિક લોકોએ કેપ્ટન અને બંને યુવકોની બહાદુરીની પ્રશંસા કરી છે.

બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ 242 રને ઓલઆઉટ : ન્યુઝીલેન્ડ વિના વિકેટે 63 રન

ભારત ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ક્રાઈસ્ટચર્ચ ખાતે 242 રનમાં ઓલઆઉટ થયું છે. પહેલા દિવસની રમતના અંતે ન્યુઝીલેન્ડે વિના વિકેટે 63 રન બનાવી લીધા છે અને રમત બંધ રહી ત્યારે ટોમ લાથમ 27 અને ટોમ બ્લંડેલ 29 રને રમતમાં હતા. આ સાથે જ ન્યુઝીલેન્ડ ભારતના સ્કોર કરતાં 179 રન પાછળ છે.

આ પહેલા ભારતીય ટીમે પ્રથમ દાવ લીધો હતો અને હનુમા વિહારીના 55, ચેતેશ્વર પુજારા અને પૃથ્વી શોના 54-54 રન કર્યા હતા. જોકે સમયાંતરે વિકેટ ગુમાવતા ટીમ ઇન્ડિયા પ્રથમ દિવસે 63 ઓવરમાં ઓલઆઉટ થઇ હતી અને 250 રનનો આંક વટાવી શકી નહોતી. મયંક અગ્રવાલ, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડ માટે કાઇલી જેમિસને 5, ટિમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટ 2-2 અને નીલ વેગનરે 1 વિકેટ લીધી હતી.

ટી બ્રેક સમયે ભારતનો સ્કોર 194/4 હતો. જોકે વિહારી અને પુજારા આઉટ થતા ટીમ ધાર્યા કરતા ઓછા સ્કોરમાં ઓલઆઉટ થઇ હતી. મોહમ્મદ શમી 16 અને જસપ્રીત બુમરાહ 10 રન અંતિમ વિકેટ માટે 26 રનની ભાગીદારી કરી હતી. અંતિમ 6માંથી 4 વિકેટ જેમિસને લીધી હતી. પોતાની બીજી ટેસ્ટમાં તેણે કરિયરમાં પહેલીવાર એક ઇનિંગ્સમાં 5 વિકેટની સિદ્ધિ પોતાના નામે કરી છે.

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં નિષ્ફળ રહેલા ટીમ ઇન્ડિયાના ઓપનર પૃથ્વી શો એ બીજી ટેસ્ટમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ક્રાઈસ્ટચર્ચ ખાતે રમાનારા બીજી ઈનિંગ્સના બીજા અને અંતિમ મેચમાં પૃથ્વી શોના બેટથી અર્ધશતક ફટકારવામાં આવ્યુ હતુ. પૃથ્વી શોએ 64 બોલમાં 54 રનની ઇનિંગ્સ રમી છે. શોએ તેની ઇનિંગ્સમાં આઠ ચોકા અને એક છક્કો માર્યો હતો.

આ ગુજરાતી વડાપ્રધાનનો બર્થ ડે દર ચાર વર્ષે એટલે કે 29મી ફેબ્રુઆરીએ આવે છે, ઈન્દીરા ગાંધીને આપ્યો હતો પરાજ્ય

દેશના રાજકારણમાં લોખંડી મહિલા રાજનેતા તરીકે પ્રસ્થાપિત થયેલા ઈન્દીરા ગાંધીની સામે માથું ઉંચકનારા અને વડાપ્રધાન પદ સુધી પહોંચનારા એવા ગુજરાતી નેતાનો બર્થ ડે લીપ યર પ્રમાણે 29મી ફેબ્રુઆરીએ દર ચાર વર્ષે આવે છે. આ નેતાનું નામ છે મોરારજી દેસાઈ. આ વખતે લીય યર છે. લપ યરમાં 29મી ફેબ્રુઆરી આવે છે અને લીપ યર દર ચાર વર્ષે આવે છે એટલે મોરાજી દેસાઈનો બર્થ ડે પણ દર ચાર વર્ષે આવે છે.

મોરારજી દેસાઈનો આજે જન્મદિવસ છે અને તેમના જન્મ સ્થળ તથા સંસસદીય મત વિસ્તાર સુરતમાં મોરારજી દેસાઈની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. મોરારજી દેસાઈની પ્રતિમાને સુરતના ડૂમસના દરિયા કાંઠે સ્થાપિત કરવામાં આવી છે.

મોરારજી દેસાઈનો જન્મ 1896ની 29મી ફેબ્રુઆરીએ થયો હતો. તેઓ ભારતની આઝાદીના ચળવકાર હતા અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ ભારતનાં ચોથા વડાપ્રધાન બન્યા હતા. મોરારજી બોમ્બે સ્ટેટ(આજનું મુંબઈ)ના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા અને આ ઉપરાંત તેઓ બોમ્બે સ્ટેટમાં ગૃહ મંત્રી, નાણામંત્રી અને દેશના ડેપ્યુટી પ્રાઈમ મિનીસ્ટર તરીકે પણ રહી ચૂક્યા હતા.

વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન પછી મોરારજી દેસાઇ વડા પ્રધાન પદના પ્રબળ દાવેદાર હતા. ઈન્દિરા ગાંધીના પ્રધાનમંડળમાં 1969 સુધી નાયબ વડા પ્રધાન અને નાણા પ્રધાન તરીકે કાર્યરત રહ્યા હતા. 1969માં કોંગ્રેસના ભાગલા થયા અને તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને કોંગ્રેસ(ઓ)ની કમાન સંભાળી હતી. 1977માં ઈમરજન્સી ઉઠાવી લેવામાં આવી અને વિપક્ષો ઈન્દીર ગાંધી સામે એક જૂટ થયા. જનતા પાર્ટીની છત્રછાયામાં વિપક્ષોએ ઈન્દીરા ગાંધી વિરુદ્વ જબરદસ્ત પ્રચાર કર્યો અને 1977માં ઈન્દીરાં ગાંધીની કોંગ્રેસને પરાજ્ય આપ્યો હતો. ચૂંટણી જીત્યા બાદ મોરારજી દેસાઈને વડાપ્રધાન બનાવવામાં આયા હતા. અને તેઓ ભારતના સૌ પ્રથમ બિન કોગ્રેસી વડાપ્રધાન બન્યા હતા.

ઈન્ટરનેશનલ લેવલે મોરારજી દેસાઈની આભા શાંતિની દૂત તરીકે ઉભરી આવી હતી. દક્ષિણ એશિયાના બે દેશ પાકિસ્તાન અને ભારત વચ્ચે શાંતિ સ્થાપિત કરવાના તેમણે અનેક પ્રયત્નો કર્યા હતા. 1974માં ભારતનું પ્રથમ પરમાણુ પરીક્ષણ પણ કર્યું હતું. માત્ર પાકિસ્તાન જ નહીં પણ ચીન સાથે પણ મૈત્રીપૂર્ણ સંબંધોને પુન:સ્થાપિત કરવામાં આગળ વધ્યા હતા. 1971માં ભારત-પાકિસ્તાન યુદ્વ ટાળવાના પ્રયાસો કર્યા હતા. મોરરાજી એવી પહેલી વ્યક્તિ અને નેતા હતા જેમણે પાકિસ્તાને નિશાને પાકિસ્તાન એવોર્ડની નવાજેશ કરવામાં આવી હતી. નિશાને પાકિસ્તાન એ પાકિસ્તાનો સર્વોચ્ચ એવોર્ડ છે. આ એવોર્ડ 1990માં આપવામાં આવ્યું હતું.

ભારતીય રાજકારણના ઈતિહાસમાં જૈફ વયે એટલે કે 84 વર્ષની ઉંમરે વડાપ્રધાન પદ સંભાળવનારા તેઓ પ્રથમ નેતા હતા. ત્યાર બાદ તેમણે રાજકારણમાં નિવૃત્તિ લીધી હતી પણ 1980 સુધી જના પાર્ટી માટે પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમને ભારત રત્નથી વિભૂષિત કરવામાં આવ્યા હતા.1995માં 99 વર્ષની ઉંમરે મોરારજી દેસાઈએ દુનિયાને અલવિદા કહી હતી.

CAAમાં એક પણ મુસ્લિમ કે લઘુમતિની નાગરિક્તા જશે નહીં: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં જાહેર સભાને સંબોધન કરતા કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી (બસપા) ડાબેરી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર હુમલો કર્યો હતો.

તેમણે કહ્યું કે આ તમામ નાગરિકતા સુધારા કાયદા (CAA)નો વિરોધ કરી રહ્યા છે અને જૂઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે CAA મુસ્લિમોની નાગરિકતા ગુમાવશે. જોકે, આ સત્ય નથી. અમિત શાહે કહ્યું કે અમે નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) હેઠળ કોઈપણ મુસ્લિમ કે લઘુમતી વ્યક્તિના નાગરિકત્વને જવા દઈશું નહીં.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ફરીથી પુનરોચ્ચાર કર્યો કે CAA નાગરિકતા આપવાનો કાયદો નથી, પણ નાગરિક્તા લેવાનો કાયદો છે. ભાગલા દરમિયાન પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં જે હિન્દુ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન અને પારસી સમુદાયના લોકો છે તેમને નાગરિકત્વ આપવામાં આવશે.

આ સભાને સંબોધન કરતાં તેમણે લોકોને પૂછ્યું કે શું પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં દમનનો ભોગ બનેલા નાગરિકોને નાગરિકત્વ આપવું જોઈએ નહીં? શું તેમના માનવાધિકાર જોવા જોઈએ નહીં? આના પર, જનતાએ હા પાડીને જવાબ આપ્યો હતો.

રેલવે ટીકીટ બૂક કરનારાઓને લાગી શકે છે ઝટકો, IRCTCએ જારી કર્યું એલર્ટ

જો તમે ઓનલાઇન અથવા ઓફલાઇન રેલવે ટીકીટ બુક કરો છો, તો IRCTCએ તમારા માટે એલર્ટ જારી કર્યું છે. આ એલર્ટ એવા લોકો માટે પણ છે કે જે રેલ્વે પ્રવાસ દરમિયાન માહિતી અથવા ફરિયાદ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.

જો તમે IRCTCના આ એલર્ટને અવગણશો તો તેને ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. તો ચાલો જાણીએ IRCTCનું એલર્ટ શું છે?

હકીકતમાં IRCTC તરફથી ટવિટર પર અનેક ટવિટ્સ કરવામાં આવી છે. આ મુજબ IRCTC મુજબ એવા યૂઝર્સને ટારગેટ કરવામાં આવ્યા છે કે જેઓ તેમની ફરિયાદ અથવા પૂછપરછ દરમિયાન મોબાઇલ નંબર, પીએનઆર અને ટ્રાન્ઝેક્શન આઈડી જેવી તેમની પર્સનલ માહિતી શેર કરતા રહે છે.

આવા યૂઝર્સ સાથે બેંકિંગ ફ્રોડ થઈ શકે છે. IRCTCએ આવા લોકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ માહિતી શેર ન કરવા અપીલ કરી છે.

આ સાથે જ IRCTCએ જણાવ્યું છે કે ભારતીય રેલ્વે ફક્ત ડાયરેક્ટ મેસેજ દ્વારા માહિતી માંગે છે, એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે IRCTCની રિફંડ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્વચાલિત છે અને તેને કોઈ માનવ હસ્તક્ષેપની જરૂર નથી.

આ કહેવાનો મતલબ એ છે કે જો તમે IRCTCની ટીકીટ કેન્સલ કરો છો, તો તમારે રિફંડ મેળવવાની પ્રક્રિયા કરવા માટે કોઈ વ્યક્તિ અથવા અન્ય સહાયની જરૂર નથી. આવી સ્થિતિમાં તમારે કોઈપણ કોલ અથવા મેસેજથી સાવચેત રહેવું જોઈએ. અજાણ્યા મેસેજ અથવા કોલ તમારું બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે.

નિર્ભયા કેસ: દોષી પવન ગુપ્તાની ક્યુરેટીવ પીટીશન, ફાંસીની સજાને આજીવન કેદમાં તબદીલ કરવા માંગ

નિર્ભયા કેસમાં આરોપીઓને ફાંસી આપવામાં સતત વિલંબ થતો જોવા મળી રહ્યો છે. દોષી પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટીવ પીટીશન કરી છે. આ અરજીમાં પવન ગુપ્તાએ માંગ કરી છે કે ફાંસીની સજાને આજીવન કેદમાં પરિવર્તિત કરવામાં આવે.

નિર્ભયા બળાત્કાર-હત્યા કેસના ચાર દોષિતોની ફાંસીની તારીખ નજીક આવી રહી છે. દિલ્હીની અદાલતે નવું ડેથ વોરંટ બહાર પાડી ત્રીજી માર્ચે સવારે ફાંસી આપવાનું એલાન કર્યું છે. આ પહેલા પણ ડેથ વોરંટ ઇસ્યુ કરાયું હોવા છતાં ફાંસી મુલતવી રાખવામાં આવી હતી.

પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટીવ પીટીશન કરી મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં બદલવાની માંગ કરી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ગુનેગારોના શ્વાસનો સમયગાળો થોડો વધારે વધી શકે છે. દોષિત પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં હજી સુધી ક્યુરેટીવ પીટીશન કરી ન હતી અને ન તો રાષ્ટ્રપતિને દયા માટે વિનંતી કરી હતી.

એડવોકેટ એ.પી.સિંહનું કહેવું છે કે, પવન ગુપ્તા ઘટના સમયે ફરી એક વાર સગીર હોવાનો મામલો ઉઠાવ્યો છે. એ.પી.સિંહનું કહેવું છે કે ઘટના સમયે પવન 18 વર્ષથી નીચેની વયનો હતો.

બીજી તરફ આ કેસમાં કેસના ચાર દોષિતો મુકેશકુમાર સિંહ, વિનયકુમાર શર્મા, અક્ષય અને પવન ગુપ્તાને ફાંસી આપવામાં આવશે. ફાંસી ટાળવા માટે ચારેય દોષિતોમાંથી ત્રણ મુકેશ, વિનય અને અક્ષયે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજીઓ પણ કરી હતી, પરંતુ તેમની દયાની અરજી ફગાવી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં આ ત્રણેયને ફાંસી આપવાનો રસ્તો સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે, તેમની પાસે હવે કોઈ વિકલ્પ બચ્યો નથી.

16 ડિસેમ્બર, 2012ના રોજ 23 વર્ષીય પેરામેડિકલ વિદ્યાર્થી નિર્ભયા પર દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં ચાલતી બસમાં નિર્દયતાથી બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘોર ઘટના બાદ સરકારે પીડિતાને સિંગાપોર સારવાર માટે લઈ ગઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આ ઘટનામાં ગુનેગારોએ પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં લાકડીઓ સુદ્વાં મારી હતી. આ ભયાનક ઘટના બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. આ ઘટનાની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા થઈ હતી. નિર્ભયાના દોષી રામસિંહે આ કેસની સુનાવણી દરમિયાન આત્મહત્યા કરી હતી.

CBI વર્સીસ CBI : બસ્સી બોલ્યા” રાકેશ અસ્થાના વિરુદ્વ પુરતા પુરાવા હતા”

સીબીઆઈ વર્સીસ સીબીઆઈનાં કથિત ભ્રષ્ટાચાર કેસમાં શુક્રવારે દિલ્હીની વિશેષ અદાલતમાં સુનાવણી દરમિયાન વર્તમાન અને પૂર્વ તપાસ અધિકારીઓ વચ્ચેનો વિવાદ ફાટી નીકળ્યો હતો. મળતી માહિતી મુજબ ચાર્જશીટ રજૂ કરવામાં આવી ત્યારે વર્તમાન તપાસ અધિકારી સતીષ ડાગર અને પૂર્વ તપાસ અધિકારી અજયકુમાર બસ્સી વચ્ચે મૌખિક વિવાદ થયો હતો. ડાગરે જણાવ્યું હતું કે, પક્ષપાતપૂર્ણ તપાસને કારણે બસ્સીને તપાસ અધિકારીના પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

ભૂતપૂર્વ તપાસ અધિકારી એકે બસ્સીએ આરોપ લગાવ્યો હતો કે હાલના તપાસ અધિકારી સતીષ ડાગરે સીબીઆઈના ભૂતપૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ક્લિનચીટ આપવાનું મન બનાવી લીધું હતું. તેમણે કહ્યું કે અસ્થાના વિરુદ્ધ પુરતા પુરાવા હતા, પરંતુ ડાગરએ તેમનો ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવા પણ જપ્ત કર્યા ન હતા.

શુક્રવારે કોર્ટને કહેવામાં આવ્યું હતું કે લાંચ કેસમાં સીબીઆઈના ભૂતપૂર્વ વિશેષ ડિરેક્ટર રાકેશ અસ્થાના સામે મજબૂત પુરાવા છે. આ મામલે તાજેતરમાં અસ્થાનાને ક્લિનચીટ આપવામાં આવી હતી. સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ સંજીવ અગ્રવાલને કેસ અંગે પૂર્વ તપાસ અધિકારી અજયકુમાર બસ્સી દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાલના તપાસ અધિકારી સતીષ ડાગર અસ્થાના અને અન્ય સરકારી કર્મચારીઓને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે.

જે પ્રકારે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી તેને લઈને 12મી ફેબ્રુઆરીએ કોર્ટે  નારાજગી વ્યક્ત કરી હતી અને પૂછ્યું હતું કે મોટી ભૂમિકાવાળા આરોપી કેમ મુક્ત રીતે ફરી રહ્યા છે? જ્યારે તપાસ એજન્સીએ તેના જ નાયબ પોલીસ અધિક્ષકની ધરપકડ કરી હતી. ચાર્જશીટની 12મી કોલમમાં અસ્થાના અને ડીએસપી દેવેન્દ્ર કુમારનું નામ લેવામાં આવ્યું કારણ કે તેમને આરોપી બનાવવાના પૂરતા પુરાવા નથી. કુમારનેr 2018માં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં જામીન મળી ગયા હતા.

સીબીઆઈએ હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ સતીષ સનાની ફરિયાદના આધારે અસ્થાના સામે કેસ નોંધ્યો હતો. સના 2017ના કેસમાં તપાસનો સામનો કરી રહ્યા છે જેમાં માંસના વેપારી મોઇન કુરૈશી પણ સામેલ છે.

આ અગાઉ બુધવારે એટલે કે 19 ફેબ્રુઆરીએ સીબીઆઈને કોર્ટે પૂછ્યું હતું કે લાંચ કેસમાં એજન્સીના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ અને લાઈવ ડિટેક્ટર ટેસ્ટ કેમ કરવામાં આવ્યો નથી.

ઉદ્વવ ઠાકરે સરકારનો ઐતિહાસિક નિર્ણય, સરકારી સ્કૂલ-કોલેજોમાં મુસ્લિમોને પાંચ ટકા અનામતને લીલીઝંડી

ઉદ્ધવ કેબિનેટે મહારાષ્ટ્રની સરકારી શાળાઓ અને કોલેજોમાં મુસ્લિમોને પાંચ ટકા અનામત આપી છે. એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા અને મહારાષ્ટ્રના લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકે કહ્યું હતું કે આ અંગેનો કાયદો ટૂંક સમયમાં વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવશે.

નવાબ મલિકે કહ્યું કે ખાનગી શાળાઓ અને કોલેજોમાં આ અનામત લાગુ કરવાના કાનૂની પાસાઓ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. આ સાથે ઉદ્ધવ સરકાર ખાનગી સંસ્થાઓમાં નોકરી માટે વટહુકમ લાવીને કાયદો લાવવા અંગે પણ વિચારણા કરી રહી છે.

નવાબ મલિકે કહ્યું કે મુંબઈ હાઈકોર્ટે સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમોને પાંચ ટકા અનામત આપવા માટે પણ સંમતિ આપી હતી. તેમણે કહ્યું કે ફડણવીસ સરકારે આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી. તેથી, અમે જાહેરાત કરી છે કે અમે શક્ય તેટલી વહેલી તકે હાઈકોર્ટના આદેશને લાગુ કરીશું.

હિંસાગ્રસ્ત દિલ્હીની એક અલગ કથા : મુસ્લિમ ભાઇઓના કારણે હિન્દુ બહેનના લગ્ન હેમખેમ પાર પડ્યા

એકતરફ દિલ્હીમાં હિંસાને કારણે વેરાન રસ્તાઓ એક ભયાનક બાજુ બતાવી રહ્યા છે. ત્યારે હિંસાથી સૌથી પ્રભાવિત ચાંદબાગમાં એક ભાઈચારા અને પ્રેમની અજબ ઘટના સામે આવી છે. અહીં મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તારમાં 25મી ફેબ્રુઆરીના રોજ એક હિંદુ પરિવારની દીકરીના લગ્ન હતા અને બહાર તોફાન ફાટી નીકળ્યા હતા. ઘરમાં આ કારણે લગ્ન કેન્સલ કરવાની વાત ચાલી રહી હતી. જેના કારણે દુઃખી 23 વર્ષની સાવિત્રી સતત આંસુ સારી રહી હતી, જો કે આવા સમયે આ વિસ્તારના કેટલાક મુસ્લિમ યુવાનો સામે આવ્યા અને તેમના કારણે આ લગ્નપ્રસંગ હેમખેમ પાર પડ્યો હતો.

હાથોમાં મહેંદી સાથે લગ્નની તમામ તૈયારી થઈ ગઈ હતી. લોકો લગ્ન કેન્સલ કરવા માટે સમજાવી રહ્યા હતા. પરંતુ તેવામાં સાવિત્રીના પિતા ભોલે પ્રસાદે નક્કી કર્યું કે ભલે ગમે તે થઈ જાય તેઓ પોતાની લાડલીના લગ્ન કરીને જ રહેશે. બસ તરત જ પડોશી મુસ્લિમોએ પણ તેમના આ સંકલ્પમાં કોઈપણ ભોગે સાથ આપવાનું નક્કી કરી લીધું. ઘરની અંદર જ સાવિત્રીના લગ્ન થઈ રહ્યા હતા અને બહાર પડોશના મુસ્લિમ પરિવારના છોકરાઓ પહેરો ભરી રહ્યા હતા.

સાવિત્રીએ કહ્યું કે, ‘મારા મુસ્લિમ ભાઈઓના કારણે જ આટલી ભયાનક સ્થિતિમાં પણ મારા લગ્ન ખૂબ જ શાંતિપૂર્વક પૂરા થયા હતા.’ ભોલે પ્રસાદે કહ્યું કે, ‘તેઓ આ વિસ્તારમાં વર્ષોથી કોઈપણ જાતના ભય વગર જ રહે છે. અમને ખબર જ નથી કે આ કોણ છે જે હિંસા કરી રહ્યા છે. અહીંના હિંદુ અને મુસ્લિમ પરિવારો તો એકબીજા સાથે હળીમળીને રહેતા આવ્યા છે.’

સાવિત્રીના લગ્ન અંગે તેમના પડોશી મુસ્લિમ પરિવારની મહિલાઓએ કહ્યું કે, “જ્યારે છોકરીએ સૌથી વધુ ખુશ હોવું જોઈએ ત્યારે તે રડી રહી હતી. અમે બધાએ મળીને સંકલ્પ કર્યો હતો કે તેની ખુશીથી વધારે અમારા માટે કંઈ નથી.’ સાવિત્રીના લગ્નમાં આખી શેરીના મુસ્લિમ પરિવારોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને નવવિવાહિત દંપત્તિને આશિર્વાદ પણ

ગુજરાત સહિત દેશભરમાં ઉનાળાને લઈ કરાઈ મોટી આગાહી, જાણો કેવો રહેશે માર્ચ અને મે મહિનો

હવામાન વિભાગ દ્વારા  આગાહી કરવામાં આવી છે કે આ વર્ષનો ઉનાળો સામાન્ય વર્ષ કરતા વધારે આકરો રહી શકે છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ભારતમાં આકરા ઉનાળાનો અનુભવ થશે. ગુરુવારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ અને મધ્ય તથા દક્ષિણ ભારતમાં વધારે તાપ અનુભવાશે. ઉનાળાના સમય (માર્ચથી મે) દરમિયાન સામાન્ય કરતા તાપમાનનો પારો ઊંચો જશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને દક્ષિણ ભારતના કર્ણાટક, આંધપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં સરેરાશ તાપમાન વધારે રહેશે. ગ્લોબલ વોર્મિંગના કારણે થતી ગ્રીનહાઉસ ઉત્સર્જન સાથે સંકળાયેલું ગ્લોબલ વોર્મિંગનું વલણ વધુ ગરમી માટે જવાબદાર છે. ઉત્તર ભારતના રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને હરિયાણા તથા મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સાથે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આકરો ઉનાળો અનુભવાશે. જેમાં દિવસ દરમિયાન તાપમાનમાં 0.5 ડિગ્રીનો વધારો અનુભવાઈ શકે છે.

અગાઉ તાપમાન 1 થી 1.5 ડિગ્રી ઊંચું જવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે એપ્રિલ મહિનામાં એપ્રિલમાં દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ચંડીગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મોટાભાગના મહારાષ્ટ્રમાં સરેરાશ તાપમાન સામાન્ય કરતાં 1-1.5 ડિગ્રી સેલ્સિઅસ ઊંચું રહેશે. હાલ તો હવામાનમાં અલ નીનો (તાપમાનને સામાન્ય કરતાં વધુ ગરમ બનાવે) જેવા આબોહવાના મોટાપાયાના પરિબળોની હાજરી વર્તાતી નથી. પરંતુ ગયા વર્ષે જૂન મહિના સુધી અલ નીનો જેવી સ્થિતિ જોવા મળી હતી. જેની અસર આ વર્ષના ઉનાળા પર જોવા મળી શકે છે. આ વર્ષે ઉનાળો સામાન્ય કરતાં વધુ ગરમ રહી શકે છે. આ સંભાવનાને ભૂતકાળમાં થયેલા એક સ્ટડીનો ટેકો મળ્યો છે.

ગયા વર્ષે ફેબ્રુઆરી જૂન સુધી અલ નીનોની સ્થિતિ જોવા મળી હતી. જુલાઈમાં અલ નીનોની સ્થિતિ ENSO-ન્યૂટ્રલ સ્થિતિ (અલ નીનો કે લા નીનાની સ્થિતિ નહીં)માં પરિવર્તિત થઈ અને આ જ સ્થિતિ રહી હતી. હાલ પેસિફિક સમુદ્ર ઉપર ENSO-ન્યૂટ્રલ સ્થિતિ પ્રવર્તી રહી છે. અલ નીનો અને લા નીના અનુક્રમે ‘નાના છોકરા’ અને ‘નાની છોકરી’ માટે વપરાતા સ્પેનિશ ભાષાના શબ્દો છે. પેસિફિક સમુદ્રના મધ્ય અને પૂર્વ વિષુવવૃત્ત પાસે ઉત્પન્ન થતી અનિયમિત ગરમીની સ્થિતિને અલ નીનો કહેવાય છે. જ્યારે લા નીના અલ નીનોનો તદ્દન વિરુદ્ધ અર્થ દર્શાવે છે. વિષુવવૃત્ત પાસેના પેસિફિક સમુદ્ર પર થતી અનિયમિત ઠંડીની સ્થિતિને લા નીના કહેવાય છે.