અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્ય પાછું ખેંચવા ઐતિહાસિક સમજૂતી, પણ તાલીબાનો માટે છે આ શરત

અફઘાન તાલિબાન સાથે શાંતિ કરાર અંતર્ગત અમેરિકા અને તેના સાથીઓ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો તાલિબાન આ સમજૂતીનું ઉલ્લંઘન નહીં કરે તો અમેરિકા આગામી 14 મહિનામાં અફઘાનિસ્તાનથી તેના તમામ સૈનિકો પરત ખેંચી લેશે. સમજૂતીનો મુખ્ય હેતુ અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવાનો છે અને આ શરતોનું તાલીબાનોએ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

દોહામાં યોજવામાં આવેલી બેઠક બાદ સમજૂતી પર અફઘાનિસ્તાન માટે નિમાયેલા અમેરિકાના વિશેષ પ્રતિનિધિ ઝલમય ખલીલઝદ અને તાલીબાની નેતા મુલ્લા અબ્દુલ ગની બરાદર વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

કાબુલમાં અફઘાન સરકાર અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદન કતારની સિટી દોહામાં રજૂ કરવામાં આવ્યું હતું. જ્યાં બન્ને પક્ષોએ શનિવારે સહી કરી હતી. આ સમજૂતીનો હેતુ છેલ્લા 18 વર્ષથી અફઘાનિસ્તાનમાં યુદ્ધનો અંત લાવવાનો છે. સમજૂતી પર હસ્તાક્ષર થયા બાદ અમેરિકાના વિદેશ સચિવ માઈક પોમ્પે જણાવ્યું કે સમજૂતી બાદ અમેરિકા તાલીબાનની ગતિવિધિઓ પર નજર રાખશે.

9/11 દરમિયાન અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું અને ઓસામા બિન લાદેનના અલ કાયદાના નેટવર્કને તહસનહસ કર્યું હતું. 18 વર્ષના સમયગાળા દરમિયાન 2400 કરતાં પણ વધારે અમેરિકી સૈનિકો માર્યા ગયા છે અને તેટલા જ તાલીબાનોને પણ ઠાર કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પદ સંભાળ્યા પછી કહ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાનમાં યુદ્ધનો અંત લાવશે. ટ્રમ્પની સાથે તાલીબાનોની બે મહિના પહેલાં પણ બેઠક થઈ હતી પરંતુ એ બેઠક નિષ્ફળ રહી હતી ત્યાર બાદ કાબૂલમાં બેઠક યોજવાની હતી પરંતુ આતંકી હુમલો થતાં બેઠક રદ્દ કરવામાં આવી હતી.

ટ્રમ્પ પૂર્વે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ઓબામાએ તાલિબાનો સાથે વાતચીત કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો અને જૂન 2013માં દોહામાં તાલિબાનની ઓફિસની સ્થાપના થઈ હતી. ઓબામાનાં શાસનકાળ દરમિયાન લાદેનને પાકિસ્તાનના એબટાબાદમાં ઠાર મારવામાં આવ્યો હતો.