દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર લાગ્યા “દેશ કે ગદ્દારોં કો ગોલી મારો”ના નારા

દિલ્હીના સૌથી વ્યસ્ત મેટ્રો સ્ટેશનોમાંના એક એવા રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર કેટલાક લોકોએ ‘દેશ કે ગદ્દારોં કો ગોળી મારો’ ના નારા લગાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સફેદ ટી-શર્ટ પહેરેલા કેટલાક લોકો “દેશ કે ગદ્દારો કો ગોલી મારો ” ના નારા લગાવતા નજરે પડે છે. આ કેસમાં પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે.

દિલ્હી મેટ્રોના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના સવારે લગભગ 10.52 વાગ્યે બની હતી. સ્ટેશન પર તૈનાત મેટ્રો સ્ટાફ અને સુરક્ષા જવાનોએ નારેબાજી કરી રહેલા યુવાનોને દિલ્હી મેટ્રો રેલ પોલીસને હવાલે કર્યા છે.

દિલ્હી મેટ્રો કોર્પોરેશન લિમિટેડ (ડીએમઆરસી)એ નારેબાજી કરતા યુવાનોને  “મુસાફરો” હોવાનું ગણાવી કહ્યું કે  સ્ટેશન પર તૈનાત મેટ્રો સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓએ વધુ જરૂરી કાર્યવાહી માટે તેમને દિલ્હી મેટ્રો રેલ પોલીસને  હવાલે કર્યા છે. દિલ્હી મેટ્રો અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઘટના સવારે 10.52 વાગ્યે બની છે. દિલ્હી મેટ્રો કેમ્પસમાં કોઈપણ પ્રકારના ડિસ્પ્લે પર પ્રતિબંધ છે.

સમાચાર એજન્સી પી.ટી.આઈ.ના જણાવ્યા અનુસાર, સ્ટેશન પર ટ્રેન થોભી રહી હતી ત્યારે આ યુવાનોએ નારેબાજી કરી હતી. ત્યારબાદ તેમણે નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ)ના સમર્થનમાં નારા લગાવ્યા હતા. યુવાનોએ સીએએના સમર્થનમાં નારા લગાવતા જોઈ કેટલાક મુસાફરોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા જ્યારે કેટલાક કેમેરા વડે વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું હતું.