ઠાસરાના ખેડુતે ટ્રેક્ટર ભરીને ટામેટા રસ્તા પર ફેંકી દીધા, કારણ જાણીને ચોંકી જશો

ખેડા જિલ્લાના ઠાસરા ગામે ખેડુતે ટામેટાને રસ્તો પર ફેંકી દેતા આ વીડિયો સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ થયો છે. ટામેટાના પાક પાછળ થયેલો ખર્ચ પર વળતર પેટે નહીં મળી રહ્યું હોવાથી ખેડુતે આવું આકરું પગલું ભર્યું હતું.

ખેડૂતે ટ્રેકટર દ્વારા ડાકોરથી કપડવંજ રોડ વચ્ચે ટામેટાનો તમામ પાક ફેંકી દીધો હતો. હાલ ટામેટાના એક કિલોએ માત્ર બે રૂપિયા ભાવ મળતા ખેડૂતો નાસીપાસ થયા છે. પાક પાછળ એક કિલોએ ખેડૂતનો સરેરાશ આઠ થી નવ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. જેની સરખામણીએ મફતના ભાવે ટામેટા વેચવા કરતાં તેને રસ્તો પર ફેંકી દેવામાં આવ્યા હતા.

ઠાસરા તાલુકામાં અંદાજે 800 વિધામાં ટામેટાનો પાક ઉગાડવામાં આવ્યો છે. જેના ભાવ ન મળવાથી ખેડૂતોને અનેક પ્રકારની હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. કેટલાક ખેડુતો માટે તો ગુજરાન ચલાવવું પણ દુષ્કર થઈ ગયું છે.