એક જ દિવસમાં રોકાણકારોના લાખો કરોડ ધોવાયા : સેન્સેક્સની 1300 પોઇન્ટની ગુલાંટ

શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી શરુ થયેલું ધોવાણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. શુક્રવારે સેન્સેક્સમાં 1200 પોઈન્ટ્સથી પણ વધુનો કડાકો બોલાતા રોકાણકારોના 5 લાખથી વધુ કરોડ માત્ર 5 જ મિનિટમાં ધોવાઈ ગયા છે. શુક્રવારે સવારે બજાર ખૂલ્યું ત્યારે જ ભયાનક કડાકો બોલાતા રોકાણકારો ટેન્શનમાં આવી ગયા છે. અમેરિકન બજારોમાં આવેલા ભૂંકપ બાદ હવે 2008 બાદ આજે એક જ દિવસમાં સૌથી મોટો કડાકો બોલાય તેવી શક્યતા જોવાઈ રહી છે.બપોરે 12.20 કલાકે બીએસઈ સેન્સેક્સમાં સામેલ 30માંથી એકેય શેર ગ્રીન ઝોનમાં જોવા નહોતો મળ્યો. ઈન્ડેક્સમાં રહેલા તમામ શેર્સમાં 7 ટકાથી લઈને 0.70 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

શુક્રવારે પાંચ જ મિનિટમાં રોકાણકારોના 4 લાખ કરોડથી વધુ સ્વાહા થઈ ગયા હતા. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની વેલ્યૂ 150 લાખ કરોડ રુપિયાથી નીચે આવી ગઈ છે. કોરોનાવાયરસ હવે મહામારીમાં પરિવર્તિત થાય તેવા ભયના ઓથાર હેઠળ સમગ્ર વિશ્વના શેરબજારો ઉંધા માથે છે, અને ભારતીય શેરમાર્કેટ પણ તેનાથી બાકાત નથી રહી શક્યું.

સવારે 9.50 કલાકે બીએસઈ સેન્સેક્સ 1,145 પોઈન્ટ્સના ઘટાડા સાથે 38,600 પોઈન્ટ્સ પર ટ્રેડ થઈ રહ્યો તો. બીએસઈનું માર્કેટ કેપ પણ 3.77 લાખ કરોડના ઘટાડા સાથે 148 લાખ કરોડ પર આવી ગયું હતું. બપોરે સવા બાર વાગ્યે આ ઘટાડો ઓર તીવ્ર બન્યો હતો, અને સેન્સેક્સ 1300 પોઈન્ટ્સના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. બપોરે સવા બાર વાગ્યા સુધીમાં સૌથી વધુ ઘટનારા શેર્સમાં ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એક્સિસ બેંક, એસબીઆઈ ટોચ પર રહ્યા હતા.