ઈરાનના આરોગ્ય મંત્રી પછી હવે નાયબ રાષ્ટ્રપ્રમુખ માસૂમેહ એબ્તેકારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ઈરાનના નાયબ રાષ્ટ્રપ્રમુખ માસૂમેહ એબ્તેકારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ પશ્ચિમ એશિયાઈ દેશમાં કોરોના વાયરસથી ચેપી લોકોની સંખ્યા 245 સુધી પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં ઈરાનમાં કોરોના વાયરસને કારણે 26 લોકોના મોત થયા છે. એબ્તેકાર મહિલા અને પરિવાર વિભાગની નાયબ રાષ્ટ્રપ્રમુખ છે.

ઈરાનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા કિનોશ જહાંપૌરે ગુરુવારે વાયરસ ચેપી લોકોનો ડેટા આપ્યો અને કહેવામાં આવ્યું કે લેબોરેટરીમાં તપાસ બાદ ચેપી લોકોની સંખ્યા વધી શકે છે. જણાવી દઈએ કે આ પહેલા નાયબ આરોગ્ય મંત્રીનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય મંત્રીના મીડિયા સલાહકાર અલીરજા વહાબજાદેહએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, ‘નાયબ આરોગ્ય મંત્રી ઈરાજ હરીચીની તપાસ દરમિયાન કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.’

વધી રહેલા ચેપ વચ્ચે રાષ્ટ્રપ્રમુખ હસ રુહાનીએ કહ્યું કે હાલમાં શહેરનો બંધ કરવાની કોઈ યોજના નથી. પરંતુ તેમણે સ્વીકાર્યું કે ઈરાનમાં વાયરસ પર નિયંત્રણ મેળવવામાં બે-ત્રણ અઠવાડિયાનો સમય લાગી શકે છે. આ વચ્ચે ઈરાકના સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે રાજધાની બગદાદમાં કોરોના વાયરસના પહેલા કેસની જાહેરાત કરી હતી, હવે દેશમાં કોરોનાથી સંક્રમિત કેસની સંખ્યા વધીને છ થઈ ગઈ છે. આ તમામ લોકો ઈરાનના છે.

બીજી તરફ કોરોનાના ડરથી હઝના થોડા મહિના પહેલા સાઉદી સરકારે ગુરુવરે પવિત્ર સ્થળની યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો છે. પશ્ચિમ એશિયામાં કોરોના વાયરસના 240થી વધારે કેસ સામે આવ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. સાઉદીના મતે, આ નિર્ણયનો ઉદ્દેશ વિદેશી નાગરિકોને પવિત્ર શહેર મક્કા અને કાબા જતા રોકવાનો છે.