કોરોનાના ડરથી શેરબજારને પણ આવ્યું મંદીનું લખલખું : સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો

વિશ્વભરના બજારોમાં કડાકાની અસર આજે સવારે એશિયાના બજારોમાં પણ જોવા મળી હતી. કોરોનાની ગંભીર અસરના ભયે શુક્રવારે સવારે વિશ્વના અન્ય બજારોની જેમ ભારતીય શેરબજારના બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સમાં 1100 પોઈન્ટ્સનો તોતિંગ કડાકો જોવા મળ્યો હતો. વિશ્વભરમાં કોરોના વાયરસનો ડર શેરબજાર પર પણ હાવી થઇ ગયો હોવાનું માનવામાં આવે છે અને તેના કારણે જ સપ્તાહના છેલ્લા દિવસે આ કડાકો બોલ્યો હોવાનું માનવામાં આવે છે.

શુક્રવારે સવારે શેરબજાર નીચે ગેપમાં ખૂલ્યા બાદ વધુ ગગડ્યું હતું. સવારે 9.45 વાગ્યે બીએસઇ સેન્સેક્સ 1118.75 પોઈન્ટ્સ અથવા 2.81 ટકાના જંગી કડાકા સાથે 38,626.91 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 339.35 પોઈન્ટ્સ અથવા 2.92 ટકા તૂટીને 11,293.95 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 3.64 ટકા અને 3.51 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. શુક્રવારે સવારથી જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. ગભરાટભર્યા માહોલમાં BSEના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આજે સવારથી જ મેટલ, રિયલ્ટી, IT, ટેકનો, કેપિટલ ગૂડ્ઝ, ઓટો, બેન્ક, ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.

શુક્રવારે સવારે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ 7.42 ટકા, ઈન્ફોસિસ 5.38 ટકા, ટેક મહિન્દ્ર 4.59 ટકા, M&M 4.39 ટકા, બજાજ ફાઈનાન્સ 4.07 ટકા, એસબીઆઈ 4.02 ટકા, એક્સિસ બેન્ક 3.89 ટકા, HCL ટેકનો 3.74 ટકા અને પાવરગ્રીડ 3.66 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. ગુરુવારે ડાઉ જોન્સમાં જંગી કડાકો જોવા મળ્યો હતો. આ સ્થિતિમાં આજે ભારતીય શેરબજાર પણ નીચે ગેપમાં ખૂલે તેવી ધારણા હતી. કોરોના વાઈરસના હાહાકારને પગલે વિશ્વભરના દેશોમાં થનારી આર્થિક અસરોના ભયે વૈશ્વિક બજારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને ચોતરફી વેચવાલી નીકળી હતી.