બેલ્જિયમના ઝૂમાં પોતાના મસ્તીએ ચઢેલા પોતાના બચ્ચાને ઉરાંગઉટાંગ ઢસડીને લઇ ગયું!

બેલ્જિયમના એક પ્રાણી સંગ્રહાલયમાં મૂકવામાં આવેલા એક ઉરાંગઉટાંગ પરિવારના નાનકડા બચ્ચાની રમતિયાળ બાળસહજ ચેષ્ટાઓ એક ફોટોગ્રાફરે કેમેરામાં ઝડપી લીધી હતી જેમાં જોવા મળ્યું હતું કે માણસના બચ્ચાઓ જેવું જ રમતિયાળપણું આ વાનર પ્રજાતિના બચ્ચાઓમાં પણ જોવા મળે છે.

બેલ્જિયમના પેઇરી ડેઇઝા ઝૂમાં ૨૦૧૭ના વર્ષમાં જર્મનીથી આ ઉરાંગઉટાંગ કુટુંબને લાવવામાં આવ્યું હતું. જેમાં સારી નામની માદા, ઉજિઆન નામનો નર અને તેમનું બેરાની નામનું ત્રણ વર્ષનું બચ્ચું છે. હાલમાં આ બેરાની તેની માતા સારી સાથે તોફાન મસ્તી કરતા દેખાયું હતું અને ધિંગામસ્તી કરતા કરતા અચાનક તે માણસના બચ્ચાઓની જેમ જ રિસાઇ પણ ગયું હતું.

તેની મા તેને ફોટોમાં દેખાય છે તે રીતે ખેંચી લાવી હતી. જો કે તેના માતા પિતા તેને મનાવવામાં સફળ રહ્યા હતા અને થોડી જ વારમાં આ બચ્ચુ રાજી થઇ ગયું હોય તેમ પોતાના માતા પિતા પાસે દોડી ગયું હતું અને પોતાની માને વહાલભર્યું ચુંબન પણ કર્યું હતું. આના પછી ફરીથી તે તોફાન કરવા લાગ્યું હતું અને એક પીળા બ્લેન્કેટની નીચે ભરાઇ ગયું હતું અને પછી ત્યાંથી નીકળીને ખૂબ તરસ્યું થયું હોય તેમ પાણીના ઘૂંટડાઓ ભરવા લાગ્યું હતું.

તેની આ બધી બાળસહજ ચેષ્ટાઓ ફોટોગ્રાફર કોએન હાર્ટકેમ્પે પોતાના કેમેરામાં ઝડપી લીધી હતી. આ ફોટોગ્રાફર ઉરાંગઉટાંગના વતન એવા બોર્નિયોના જંગલોમાં પામની ખેતી માટે આ વાનર પ્રજાતિના રહેઠાણોનો નાશ કરવામાં આવે છે તે રોકવા માટે ઝુંબેશ પણ ચલાવે છે.