વસીમ બિલ્લા કેસ: બદરી લેસવાળાએ આ કારણોસર કરી આગોતરા જામીન અરજી, પોલીસ પણ વળતો જવાબ રજૂ કરશે

સુરતના માથાભારે વસીમ બિલ્લાના મર્ડર કેસમાં પ્રાઈમ સસ્પેક્ટ અને દાઉદી વ્હોરા સમાજના અગ્રણી મનાતા બદરી લેસવાળાએ નવસારીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. આગોતરા જામીન અરજી કરવા પાછળના કારણો અંગે બદરી લેસવાળાના વકીલે ‘સમકાલીન’ને ફોન પર માહિતી આપી હતી.

બદરી લેસવાળાના વકીલ ઝકી મુખ્યત્યાર શેખે જણાવ્યું કે આગોતરા જામીન અરજી કરવામાં આવી તેમાં એવી માંગ કરવામાં આવી છે કે હત્યા કેસમાં કોઈ ઈન્વોલ્વ નથી છતાં અમારી ધરપકડની આશંકા છે. વસીમ બિલ્લા સાથે અમારો વિવાદ ચાલી આવ્યો હતો અને અમારા પર હુમલો કરવામાં આવ્યો તો બહાર આવીને ખૂલીને પોલીસ ફરીયાદ કરી હતી. જાગૃત નાગરિક તરીકે ફરીયાદ કરી છે અને કોઈ ખોટો રસ્તો અપનાવ્યો નથી. અમે વેપારી માણસ છીએ. ખૂનામરકી અને ગુનાહિત પ્રવૃત્તિથી અમે દુર જ રહ્યા છીએ.

તેમણે જણાવ્યું કે વસીમ બિલ્લાની હત્યા અમે કરાવી હોય તેવો કોઈ પુરાવો નથી અને પુરાવાઓ અમારી વિરુદ્વના નથી. તપાસમાં સહકાર આપવા તૈયાર છીએ અને તપાસ દરમિયાન અમને કેસમાં ફસાવી દેવામાં આવે તેવી આશંકા છે. પોલીસને તપાસમાં સહકાર આપવા તૈયાર છીએ અને એટલા માટે આગોતરા જામીન આપી આ કેસમાં પોલીસ અમને ખોટી રીતે ન ફસાવે તે માટે અરજી કરવામાં આવી છે.

જ્યારે વસીમ બિલ્લા હત્યા કેસની તપાસ કરી રહેલા નવસારીના પીઆઈ  વિક્રમસિંહ પલાશે જણાવ્યું કે આગોતરા જામીન અરજી કરવામાં આવી છે તે મીડિયા મારફત જાણી શકાયું છે. પોલીસ આગોતરા જામીન વિરુદ્વ કોર્ટમાં એફિડેવિટ કરશે અને આગોતરા જામીનનો વિરોધ પણ કરશે. પોલીસ પોતાની રીતે સંપૂર્ણ રીતે તૈયાર છે.