એક ફોન કોલ પર મળશે લોન, EASE 3.0’નું લોન્ચીંગ

નાણામંત્રી સીતારમણે સરકારી બેંકોમાં સુધારાના ત્રીજા પગલા તરીકે EASE 3.0 સ્કીમને લોન્ચ કરી હતી. તેના હેઠળ આગામી દિવસોમાં ડિજિટલ બેંકીંગને પ્રોત્સાહન આપવા માટે સરકારી બેંકોના આઉટલેટ મોલ અને રેલવે સ્ટેશન જેવી જગ્યાઓએ ખોલવામાં આવશે એટલે કે ત્યાં પણ બેંકીંગ સેવાઓ ઉપલબ્ધ થશે.

EASE 3.0(ઈઝ 3.0) દ્વારા આગામી નાણાકીય વર્ષમાં ફક્ત એક ફોન કોલ દ્વારા ગ્રાહકનું રજિસ્ટ્રેશન કરાવીને બેંક લોન ઉપલબ્ધ કરાવવાની તૈયારી સરકાર કરી રહી છે. સરકારનું માનવું છે કે જ્યારે લોકોની મોટાભાગની માહિતી સરકારી પ્રણાલીમાં પહેલાથી મોજુદ છે તો પછી લાંબી દસ્તાવેજી પ્રક્રિયામાં વધુ સમય ન લાગવો જોઈએ. સરકારી બેંકોએ આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ દ્વારા જે નવી સિસ્ટમ તૈયાર કરી છે તેમાં બધી મુશ્કેલીઓ દૂર કરીને ઘરે ઘરે પહોંચીને લોન આપવાનું કામ થઈ શકશે.

તેમણે કહ્યું કે સરકારની ઈચ્છા અધિકારીઓ ઉપર ખોટી કાર્યવાહી કરવાની નથી, પણ તે ઈચ્છે છે કે પ્રજાના પૈસા બેંકોમાં પાછા આવે. નાણામંત્રીએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે દેશના દૂરના વિસ્તારોમાં સરકારી બેંકની શાખાઓમાં ઓછામાં ઓછી એક સ્ટાફની વ્યક્તિ સ્થાનિક ભાષામાં ગ્રાહકો સાથે વાત કરવા માટે હોવી જોઈએ.

તેમણે કહ્યું કે સરકારી બેંકોમાં મોટાભાગના નિર્ણયો ક્રેડીટ રેટીંગ એજન્સીઓના રિપોર્ટના આધારે કરવામાં આવે છે, પણ બ્રાન્ચ સ્તરે ગ્રાહકો સાથે જે સંકળાયેલા હોય છે તેનો કોઈ વિકલ્પ નથી. એટલે સ્થાનિક સ્તરે ગ્રાહકની જે માહિતી હોય છે તે વધુ ચોક્કસ હોય છે. બેંકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે માર્કેટીંગ કરનારા કર્મચારીઓની સંખ્યા વધારીને 17,617 કરવામાં આવી છે. એટલું જ નહીં, લોન આપવાના સરેરાશ સમયમાં પણ 67ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. પહેલા લોન મળવામાં 30 દિવસ લાગતા હતાં જ્યારે હવે તે સરેરાશ 10 દિવસમાં મળી જાય છે. સાથે જ ફરિયાદ નિવારણમાં પણ સમયગાળો 33 ટકા જેટલો ઘટી ગયો છે.

નાણામંત્રીએ કહ્યું હતું કે, 10 જાહેર ક્ષેત્રની બેંકોના મર્જરની પ્રક્રિયા નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર ચાલી રહી છે. સરકારે ગયા વર્ષે 10 બેંકોનું વિલિનિકરણ કરી ચાર બેંકો બનાવવાનું એલાન કર્યું હતું. તેમણે કહ્યું છે કે વિલયને લઈને કોઈ અનિશ્ચિતતા નથી. સરકારે યુબીઆઈ-ઓબીસીનું પીએનબીમાં મર્જર કરવાની સિન્ડિકેટનું કેનેરા બેંકમાં અને અલ્હાબાદ બેંકનું ઈન્ડિયન બેંકમાં મર્જર કરવા જાહેરાત કરી હતી. આન્ધ્ર અને કોર્પો. બેંકનું વિલિનિકરણ યુનિયન બેંકમાં કરવા યોજના છે.