દર કલાકે સાત કરોડ કમાતા મુકેશ અંબાણી સૌથી અમીર ભારતીય

દેશ-દુનિયામાં ચાલુ આર્થિક નરમીની વચ્ચે 2019માં ભારતમાં દર મહિને ત્રણ નવા અબજપતિ બન્યા છે અને તેમને મેળવી અબજપતિઓની કુલ સંખ્યા 138 સુધી પહોંચી ગઈ છે. જે ચીન અને અમેરિકા પછી સૌથી વધુ છે. રિલાયન્સ ગ્રુપના પ્રમુખ મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ નેટવર્થ 67 અબજ ડોલર છે. જ્યારે તેઓ વિશ્વના ટોપ 10 અમીર વ્યક્તિઓમાં નવમા સ્થાને છે.

આ યાદીમાં જો ભારતથી બહાર રહેતા ભારતીય મૂળના અબજપતિઓને પણ જોડી દેવામાં આવે તો આ સંખ્યા 170 સુધી પહોંચી જશે. હરૃન ગ્લોબલ રિચ લિસ્ટ 2020 મુજબ 799 અબજપતિઓની સંખ્યાની સાથે ચીન યાદીમાં પહેલા સ્થાને છે અને 626 અબજપતિઓ સાથે અમેરિકા બીજા નંબર પર છે. એક અબજ ડોલરથી વધુની નેટવર્થ ધરાવતા વ્યક્તિઓની ગણતરીના આધારે આ યાદી બનાવવામાં આવી છે. આ હિસાબે દુનિયામાં કુલ 2817 અબજપતિ છે. એમેઝોન ડોટ કોમના જેફ બેજોસ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમની નેટવર્થ 140 અબજ ડોલર છે. જે પછી 107 અબજ ડોલરની નેટવર્થ સાથે એલએમવીએચના બર્નાર્ડ ઓરનોલ્ડ બીજા અને 106 અબજની નેટવર્થ સાથે માઈક્રોસોફ્ટના ગેટ્સ ત્રીજા સ્થાને છે.

આ વર્ષે યાદીમાં 480 અબજપતિ ઉમેરાયા છે. દેશમાં સૌથી વધુ 50 અબજપતિ મુંબઈમાં, 30 અબજપતિ દિલ્હીમાં, 17 અબજપતિ બેંગ્લોરમાં અને 12 અબજપતિ અમદાવાદમાં છે. દેશમાં 27 અબજ ડોલરની નેટવર્થ સાથે એસ.પી. હિંદુજા પરિવાર બીજા સ્થાને છે. 17 અબજ ડોલરની નેટવર્થ સાથે ગૌતમ અદાણી ત્રીજા સ્થાને છે. કોટક બેંકના ઉદય કોટકની કુલ નેટવર્થ 15 અબજ ડોલર છે અને તેઓ યાદીમાં છઠ્ઠા સ્થાને છે, જ્યારે તેઓ દુનિયામાં ખુદના દમ પર સંપત્તિ બનાવનાર સૌથી અમીર વ્યક્તિ છે.

હુરૃન ગ્લોબલ રિચ લિસ્ટ 2020 ની નવમી એડિશનમાં એવું જણાવાયું છે કે ભારતમાં 2019ના વર્ષમાં દર મહિને ત્રણ અમીરોનો ઉમેરો થયો હતો. આ રીતે આ વર્ષમાં કુલ 138 અમીરો બન્યા હતાં અને આને જ પરિણામે ભારતને વિશ્વમાં ત્રીજો અમીર દેશ બનવામાં મદદ મળી હતી. 138ની યાદીમાં 67 બિલિયનની નેટવર્થ સાથે મુકેશ અંબાણી નવમા ક્રમે રહ્યા હતાં. 2019માં મુકેશ અંબાણી દર કલાકે સાત કરોડની કમાણી કરતા હતાં. ભારતીય મૂળના વિદેશી અમીરોની ગણતરી કરીએ તો ભારતીય અમીરોની સંખ્યા 170 જેટલી થવા જાય છે. હુરૃન ગ્લોબલ રિચ લિસ્ટમાં વિશ્વભરના એક બિલિયન કે તેનાથી વધારે ડોલરની નેટવર્થ ધરાવતા 2817 લોકોને સામેલ કરાયા છે.