દિલ્હી હિંસાને લઈ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બર્ની સેન્ડર્સે ટ્રમ્પને આડે હાથે લીધા

દિલ્હીની હિંસા અંગે અમેરિકાના સાંસદોએ તીવ્ર પ્રતિક્રિયા આપ્યા બાદ યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર બર્ની સેન્ડર્સે મૌન રહેવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને આડે હાથે લીધા છે. બર્ની સેન્ડર્સે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર માનવાધિકારના મુદ્દે નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો.

દિલ્હીની હિંસા અંગે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન અંગે બર્ની સેન્ડર્સે કહ્યું કે ટ્રમ્પની ભારતની મુલાકાત નેતૃત્વની નિષ્ફળતા દર્શાવે છે. તમને જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દિલ્હી હિંસા વિશે કહ્યું હતું, જ્યાં સુધી કેટલાક લોકો પરના હુમલાની વાત છે, મેં તે વિશે સાંભળ્યું છે, પરંતુ મેં પીએમ મોદી સાથે તેની ચર્ચા કરી નથી. તે ભારતનો આંતરિક મુદ્દો છે.

બુધવારે બર્ની સેન્ડર્સે આ મુદ્દે ટવિટ કર્યું હતું કે, 20 કરોડથી વધુ મુસ્લિમો ભારતને પોતાનું ઘર કહે છે. મુસ્લિમ વિરોધી ટોળા દ્વારા કરવામાં આવેલી હિંસામાં ઓછામાં ઓછા 27 લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. પરંતુ ટ્રમ્પે આનો જવાબ ભારત પર છોડી દીધો. આ બાબત માનવાધિકારના મુદ્દે અમેરિકન નેતૃત્વની નિષ્ફળતા છે.

એલિઝાબેથ વોન પછી બર્ની સેન્ડર્સ ડેમોક્રેટિક તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે નામાંકિત થયેલા બીજા વ્યક્તિ છે જેમણે દિલ્હી હિંસા સામે વિરોધ દર્શાવ્યો છે.

આ પહેલા બુધવારે ઘણા અમેરિકન સાંસદોએ પણ દિલ્હીની હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ડેમોક્રેટિક પાર્ટીના અમેરિકન સાંસદો, માર્ક વોર્નર અને જ્હોન કોર્નીને સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, નવી દિલ્હીમાં તાજેતરમાં થયેલી હિંસા અંગે અમે સજાગ છીએ. લાંબાગાળાની ભાગીદારી આગળ વધારવા માટે આવા ચિંતાજનક વિષયોની ખુલ્લેઆમ ચર્ચા કરવાના પક્ષમાં છીએ. આ પહેલાં અમેરિકન કમિશને પણ દિલ્હીની હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

યુએસ કમિશનના આક્ષેપોનો જવાબ આપતા વિદેશ મંત્રાલયે કહ્યું કે “આંતરરાષ્ટ્રીય ધાર્મિક બાબતો માટે અમેરિકન એજન્સી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી તથ્યો અનુસાર સંપૂર્ણપણે ખોટી છે.” તેનો હેતુ ફક્ત મુદ્દાને રાજકીય બનાવવાનો છે. એજન્સીઓ હિંસાને રોકવા અને પરિસ્થિતિને સુધારવામાં રોકાયેલા છે. વરિષ્ઠ સરકારી અધિકારીઓ આ કામમાં રોકાયેલા છે.