દિલ્હી હિંસામાં અત્યાર સુધી 35ના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા

દેશના પાટનગર દિલ્હીમાં ત્રીજા દિવસે ભલે હિંસા પર કન્ટ્રોલ મેળવી લેવામાં આવ્યો હોય પણ હજુ પણ સમગ્ર પાટનગરમાં દહેશત અને ડરનો માહોલ છે. ગુરુવારે મોતના આંકડો વધી ગયો અને અત્યાર સુધી મૃત્યુઆંક 35 પર પહોંચી ગયો છે. પોલીસ અને બીએસએફની બટાલીયનો હિંસાગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત છે અને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા સુસજ્જ છે. લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 106 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પાટનગર દિલ્હીમાં સીએએ અને એનઆરસીના વિરોધમાં જારી હિંસા હજુ બેકાબુ બનેલી છે. દિલ્હીના જુદા જુદા ભાગોમાં હિંસાના કારણે મોતનો આંકડો વધીને 35 ઉપર પહોંચી ગયો છે. જ્યારે ઘાયલ થયેલા લોકોની સંખ્યા 300 ઉપર પહોંચી ગઇ છે. સીએએને લઇને જારી હિંસાના મામલે એફઆઇઆર દાખલ કરવાનો સિલસિલો જારી રહ્યો છે. ધરપકડનો દોર જારી રહ્યો છે.

દરમિયાન હિંસાગ્રસ્ત તમામ વિસ્તારોમાં અજંપાગ્રસ્ત શાંતિ જોવા મળી છે. જીટીપી હોસ્પિટલના પોલીસ અધિકારીએ કહ્યુ હતુ કે હોસ્પિટલમાં લાવવામાં આવેલા 35 લોકોના મોત થયા છે. ઘાયલ પૈકી કેટલાક ગંભીર છે. અલ હિન્દ હોસ્પિટલમાં પણ કેટલાકની હાલત ગંભીર છે.

ઉત્તરપૂર્વીય દિલ્હીના વિસ્તારોમાં થયેલી હિંસાના મામલે તોફાની તત્ત્વોની સામે કેટલાક કેસ દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે હિંસા એકાએક વધી ગઇ હતી. જેથી કેસ દાખલ કરવામાં આવ્યા નથી.સેંકડો લોકો હિંસાંમાં હજુ સુધી ઘાયલ થયા છે. દિલ્હીને ધ્યાનમાં લઇને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. હિંસાને ધ્યાનમાં લઇને સીઆરપીએફની 10 કંપનીઓએ તૈનાત કરવામાં આવી રહી છે. બે કંપનીઓ રેપિડ એક્શન ફોર્સની પણ ગોઠવી દેવામાં આવી છે