રેલવેએ 3 વર્ષમાં રૂ. 9,000 કરોડ કોઇપણ જાતના ખર્ચ વગર આ રીતે કમાયા

ભારતીય રેલવેએ વર્ષ 2017 થી 2020 દરમિયાન કોઇપણ જાતનો વઘારાનો ખર્ચ કે કોઇ જાતની વધારાની સુવિધા આપવા વગર રૂ. 9000 કરોડની કમાણી કરી હતી. આ કમાણી રેલવેએ  ટિકિટ કેન્સલેશન ચાર્જ અને વેઈટીંગ ટિકિટના નોન-કેન્સલેશન મારફતે કરી હતી. આ વાત એક આરટીઆઇના જવાબમાં સામે આવી છે.

સેન્ટર ફોર રેલવે ઈન્ફોર્મેશન સિસ્ટમ (સીઆરઆઈએસ) ખાતાએ કોટાના એક એક્ટિવિસ્ટ સુજીત સ્વામીની આરટીઆઈ અરજી પર જવાબ આપતા કહ્યું હતું કે 1 જાન્યુઆરી, 2017થી 31 જાન્યુઆરી 2020ના 3 વર્ષના સમયગાળામાં 9.5 કરોડ કરતા વધુ મુસાફરો હતો જેમની વેઈટીંગ લિસ્ટ ટિકિટ કેન્સલ કરાઈ ન હતી, આવા મુસાફરોએ ભારતીય રેલવેને રૂ. 4335 કરોડની કમાણી કરાવી હતી.

આ જ સમયગાળામાં રેલવેએ કન્ફર્મ્ડ ટિકિટના કેન્સલેશન પર રૂ. 4,683 કરોડની કમાણી કરી હતી.
બંને વર્ગમાં સૌથી વધુ કમાણી સ્લીપર ક્લાસ ટિકિટોથી થઈ હતી ત્યારબાદ 3 એસીની ટિકિટોથી કમાણી થઈ હતી. ઈન્ટરનેટ મારફતે ટીકીટ બુક કરાવતા મુસાફરો અને કાઉન્ટરથી ટિકિટ બુક કરાવતા મુસાફરોની સંખ્યામાં મોટો તફાવત હતો. આ 3 વર્ષ દરમિયાન 145 કરોડ મુસાફરોએ ઈન્ટરનેટ મારફતે ટિકિટ બુક કરાવી હતી જ્યારે 74 કરોડથી વધુ લોકોએ રેલવે કાઉન્ટરથી ટિકિટ બુક કરાવી હતી.

ચળવળકાર સ્વામીએ રાજસ્થાન ઉચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભારતીય રેલવેની રિઝર્વેશન પોલિસી ભેદભાવપૂર્ણ છે. તેણે કહ્યું હતું કે ઓનલાઈન અને કાઉન્ટર રિઝર્વેશન માટેની નીતિઓમાં અંતરના કારણે મુસાફરોને બિનજરૂરી નાણાંકીય અને માનસિક ભાર પડે છે અને તેને દૂર કરવો જોઈએ જેથી મુસાફરોને રાહત મળે અને રેલવે દ્વારા અયોગ્ય કમાણી બંધ થવી જોઈએ.