વિશ્વ માટે વધી રહ્યુ છે જોખમ : ચીન પછી હવે કોરોના વાયરસનું નવું ઠેકાણું બન્યું ઇરાન

કોરોના વાયરસનો વ્યાપ વિસ્તરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને જેમ જેમ તેનો વ્યાપ વિસ્તરી રહ્યો છે તેમ તેમ વિશ્વ સામે જોખમ વધી રહ્યું છે. પહેલા ચીનના વુહાનને કોરોના વાયરસનું ઠેકાણું ગણવામાં આવી રહ્યું હતું અને હવે તેણે જાણે પોતાનું ઠેકાણું બદલ્યું હોય તેમ ચીન પછી હવે ઈરાન કોરોના વાયરસનું નવું કેન્દ્ર બની રહ્યું છે. ચીન બાદ કોરોના વાયરસના કારણે સૌથી વધારે મોત કોઈ દેશમાં થયા હોય તો તે છે ઈરાન. અહીંયા તેનાથી પીડાતા લોકોમાંથી કુલ 25.53 ટકા લોકોના મોત થઈ ચૂક્યા છે. તેનાથી હવે પૂરા મધ્ય-પૂર્વથી આ વાયરસ ફેલાવાનું જોખમ વધી ગયું છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે અત્યારસુધીમાં 80,128 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 77,658 લોકો માત્ર ચીનના છે. દુનિયામાં સૌથી વધારે બીમાર લોકોમાંથી 2700 લોકોના મોતને ભેટ્યા છે. મૃત્યુ પામેલા કુલ લોકોમાંથી 2,663 માત્ર ચીનના છે. ચીન બાદ કોરોના વાયરસના કારણે સૌથી વધારે મોત ઈરાન દેશમાં થયા છે. જ્યાં અત્યારસુધીમાં કુલ 47 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 12 લોકોના મોત થયા છે. એટલે કે 25.53 ટકા લોકો મૃત્યુ પામ્યા છે. ઈરાનમાં સંક્રમિત લોકોની સરખામણીમાં અત્યારસુધીમાં સૌથી વધારે લોકોના મોત થયા છે. તેથી હવે, ઈરાનથી ફરી એકવાર કોરોના વાયરસ ફેલાવાનો ખતરો ઝડપથી વધી રહ્યો છે.

ઈરાનની સરકાર અને નબળી સ્વાસ્થ્ય સેવાઓના કારણે આ દેશમાં કોરોના વાયરસ વધુ ફેલાઈ શકે છે સાથે જ મૃત્યુ પામનારની સંખ્યા વધી શકે છે. ઈરાક, અફઘાનિસ્તાન, બહરીન, કુવૈત, ઓમાન, લેબનાન, યૂએઈ અને કેનેડામાં કોરોના વાયરસ સંક્રમણના જે મામલા સામે આવ્યા છે, તે તમામનું કોઈને કોઈ પ્રકારથી ઈરાન સાથે કોઈનો કોઈ સંબંધ જરૂર રહ્યો છે. ઈરાનથી પૂરી દુનિયામાં કોરોના વાયરસ ફેલાવવાનું સૌથી મોટું કારણ હોઈ શકે છે- ત્યાંના મજૂરોનું દુનિયાભરમાં કામ કરવું. બીજું કારણ છે-ધાર્મિક યાત્રાઓ. હાલના સમયમાં ઈરાનની અર્થવ્યવસ્થા પણ નબળી છે. કારણ કે તેના પર ઘણા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગેલા છે. અમેરિકાએ પણ ઈરાન પર કેટલાક પ્રતિબંધ લાગવ્યા છે.

લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના ડાયરેક્ટર પીટર પાયટે કહ્યું કે, ચીન બાદ ઈરાન દુનિયાનું બીજું લોન્ચ પેડ બનવાના કગાર પર છે. આ લોન્ચ પેડથી કોરોના વાયરસ બીજીવાર ફેલાઈ શકે છે. તેને બધાએ મળીને રોકવો પડશે. ઈરાન પર ખતરો એટલા માટે પણ વધારે છે કારણ કે માત્ર જાન્યુઆરી મહિનામાં જ લગભગ 30 હજાર લોકો ઈરાનથી અફઘાનિસ્તાન આવ્યા છે. જેમાંથી 70 ટકા તો ઈરાનના ક્વોમ શહેરમાંથી પસાર થયા છે, જ્યાં કોરોના વાયરસનો પ્રભાવ સૌથી વધારે છે.