દિલ્હીની હિંસામાં 10નાં મોત, હિંસા પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હોવાનો દાવો

CAAના સમર્થન અને વિરોધીઓ આમને સામને આવી ગયા બાદ દિલ્હીમાં હિંસા વકરી છે. ઉત્તર પૂર્વ દિલ્હીમાં ખતરનાક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સોમવારે હિંસા થઈ હતી. મંગળવારે મૌજપુર અને બ્રહ્મપુરી વિસ્તારમાં પથ્થરમારો શરૂ થયો હતો. દિલ્હી હિંસામાં હેડ કોન્સ્ટેબલ રતનલાલ સહિત અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. ઉપરાંત, 150થી વધુ ઘાયલ થયા છે. દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે હિંસા પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

CAAને લઈ થયેલી જૂથ અથડામણમાં પૂર્વીય દિલ્હીમાં સ્થિતિ બેકાબૂ બની જતાં 144મી કલમ લાગૂ કરવામાં આવી બતી. આજે મૌજપુર અને બ્રહ્મપુરી વિસ્તારમાં પથ્થરમારો થયો હતો.

મંગળવારે સવારે પણ પરિસ્થિતિ તંગ છે. સવારે પાંચ મોટરસાયકલોને આગ ચાંપી દેવામાં આવી હતી. સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વહેલી સવારે મૌજપુર અને આજુબાજુના વિસ્તારોમાં 45 ફાયર ફાઇટિંગ કોલ્સ આવ્યા હતા, જેમાં ફાયર એન્જિન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય વિસ્તારમાં ફાયર એન્જિનને આગ ચાંપવામાં આવી હતી. ત્રણ ફાયરમેન ઘાયલ થયા છે.