રાષ્ટ્રપતિ ભવનમાં જોવા મળ્યો ઇવાન્કાનો અલગ અંદાજ

ભારતની મુલાકાતે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે સપરિવાર રાષ્ટ્રપતિ ભવન પર પહોંચ્યા હતા. જ્યાં ટ્રમ્પની દીકરી ઈવાન્કા પ્રત્યે લોકોનું આકર્ષણ વધુ હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં ટ્રમ્પના સ્વાગત દરમિયાન લોકો ઈવાન્કા સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. ગઈકાલે અમદાવાદ ખાતે મોટેરા સ્ટેડિયમમાં પણ લોકોએ ઈવાન્કા સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી. ઇવાન્કા આજે અલગ ડ્રેસમાં જોવા મળી હતી.

રાષ્ટ્રપતિ ભવનમાં ટ્રમ્પના ઔપચારિક સ્વાગત પહેલા ઈવાન્કા લોકો સાથે વાત કરતી જોવા મળી હતી. ઇવાન્કા જે ઝડપથી લોકો સાથે ભળી જાય છે તેના કારણે લોકોમાં તેના પ્રત્યે વધુ આકર્ષણ જોવા મળે છે. વળી જે રીતે તે અત્યંત નરમાશ પૂર્વક લોકો સાથે વાત કરે છે તેના કારણે તેની લોકપ્રિયતા વધી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જ્યારે રાષ્ટ્રપતિ ભવનમા આયોજીત સ્વાગત સમારોહમાં ટ્રમ્પ સહિતના અન્ય અધિકારીઓ અને ઇવાન્કાને આવકારી ત્યારે ઇવાન્કાએ પણ વળતા પ્રત્યુત્તરમાં ભારતીય અંદાજમા રાષ્ટ્રપતિ કોવિંદને હાથ જોડીને નમસ્તે કહ્યું હતું

રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સ્વાગત સમારોહમાં પણ ઇવાન્કા સાવ સરળ લાગી હતી અને તેણે ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કરીને તેમની પાસેથી રાષ્ટ્રપતિ ભવન અંગેની માહિતીઓ જાણી હતી. તેણે જે માહિતીઓ જાણી તેમાં તેને ખાસ્સુ કુતુહલ હોય તેવું તેના ચહેરા પરથી લાગતું હતું. મતલબ કે માત્ર પુછવા ખાતર તેણે રાષ્ટ્રપતિ ભવન અંગે સવાલો કર્યા નહોતા પણ જાણકારી મેળવવા માટે તેણે સવાલો કર્યા હોવાનું લાગતું હતુ.

ઈવાન્કા બીજી વખત ભારત આવી છે, તે ટ્રમ્પ સરકારના વહીવટીતંત્રમાં સલાહકાર તરીકેની ભૂમિકા પણ છે તેની સાથે તેનો પતિ જેરેડ કુશનર પણ ભારતના પ્રવાસે આવ્યો છે. જો કે તેનો સ્વભાવ ઇવાન્કા જેવો મળતાવડો હોય તેવું લાગતું નથી. રાષ્ટ્રપતિ ભવનમાં પણ તેના ચહેરા પર સ્મિત માંડ દેખાયું હતું.