મોટેરામાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પીએમ મોદીએ કર્યું ટ્રમ્પ પરિવારનું સ્વાગત

આજે સવારે અમદાવાદ આવી પહોંચેલા અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત બાદ મોટેરા સ્ટેડિયમ આવી પહોંચ્યા હતા. સ્ટેડિયમની વચ્ચોવચ બનાવાયેલા સ્ટેજ પર પહોંચી બંને મહાનુભાવો એકબીજાને ભેટ્યા હતા, અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

આજે મોટેરા સ્ટેડિયમમાં એક નવો ઈતિહાસ બની રહ્યો છે. આજે આપણે ઈતિહાસનું પુનરાવર્તન થતાં પણ જોઈ રહ્યા છીએ. પાંચ મહિના પહેલા મેં હ્યુસ્ટનમાં હાઉડી મોદી નામના કાર્યક્રમથી અમેરિકાના પ્રવાસની શરુઆત કરી હતી. મોદીએ કહ્યું હતું કે તે જ રીતે આજે ટ્રમ્પ અમદાવાદથી પોતાના ભારત પ્રવાસની શરુઆત કરી રહ્યા છે.

ટ્રમ્પનું સ્વાગત કરતાં મોદીએ કહ્યું હતું કે દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં આપનું હ્રદયપૂર્વક સ્વાગત છે. આ ધરતી ભલે ગુજરાતની હોય, પરંતુ તેમાં જોશ સમગ્ર હિન્દુસ્તાનનું છે. તેમણે કહ્યું હતું કે પ્રેસિડેન્ટ ટ્રમ્પનું પોતાના પરિવાર સાથે અહીં આવવું ભારત અને અમેરિકાના સંબંધોને એક પરિવાર જેવો અહેસાસ આપી રહ્યા છે. ભારત અને અમેરિકા માત્ર ભાગીદાર નહીં, પરંતુ એકબીજા સાથે ગાઢ પારિવારિક સંબંધ પણ ધરાવે છે.

મોંઘેરા મહેમાન ડોનાલ્ડ ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કરવા બદલ પીએમ મોદીએ ગુજરાતીઓ તેમજ ગુજરાતમાં રહેતા અન્ય રાજ્યોના લોકોને પણ આભાર માન્યો હતો. તેમણે ટ્રમ્પને સંબોધતા જણાવ્યું હતું કે, આપ આજે એ સાબરમતી નદીની સામે છો જેનો આઝાદીની લડતમાં મહત્વપૂર્ણ રોલ રહ્યો હતો. આજે તમે એ ધરતી પર છો કે જ્યાં અનેક બાબતોમાં વિવિધતામાં એકતા છે.

પીએમે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકામાં ઘણું સામ્ય છે. એક દેશને પોતાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગર્વ છે, તો બીજા દેશને પોતાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર ગર્વ છે. ટ્રમ્પની નેતાગીરી હેઠળ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત થયા હોવાનું જણાવતા મોદીએ કહ્યું હતું કે તેમનો ભારતનો પ્રવાસ બંને દેશના સંબંધોને ઓર મજબૂત બનાવશે.

ટ્રમ્પના વખાણ કરતા મોદીએ કહ્યું હતું કે તેઓ મોટું વિચારનારા છે. તેમણે અમેરિકા માટે જે કંઈ કર્યું છે તેનાથી દુનિયા સારી રીતે પરિચિત છે. ટ્રમ્પના પરિવારજનોનું સ્વાગત કરતા પીએમે જણાવ્યું હતું કે મેનેલિયા ટ્રમ્પનું અહીં હોવું પણ અમારા માટે સમ્માનની વાત છે. તમે અમેરિકા માટે જે કંઈ કર્યું છે તેના પરિણામ મળી રહ્યા છે. સમાજમાં તમે બાળકો માટે જે કરી રહ્યા છો તેની જાણ આખી દુનિયાને છે.

ઈવાન્કાનું સ્વાગત કરતા પીએમે કહ્યું હતું કે બે વર્ષ પહેલા તમે ભારત આવ્યા ત્યારે તમે કહ્યું હતું કે હું ફરી ભારત આવવા માગીશ. બે વર્ષ બાદ ફરી તમે અહીં અમારી વચ્ચે છો, અને તે અમારા માટે ખુશીની વાત છે. ઈવાન્કાના પતિના વખાણ કરતા મોદીએ કહ્યું હતું કે તમે લાઈમલાઈટથી દૂર રહો છો, પરંતુ તમને જ્યારે પણ મળવાનું થાય ત્યારે તમે ભારતીય દોસ્તોની ખૂબ વાતો કરો છો.