પ્રથમ ટેસ્ટ ન્યુઝીલેન્ડ 10 વિકેટે જીત્યું : ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતની પહેલી હાર

ભારતીય બેટ્સમેનોની નિષ્ફળતા બીજી ઈનિંગ્સમાં પણ ચાલુ રહી અને આ કારણે ન્યૂઝીલેન્ડે બેસિન રિઝર્વ મેદાન પર રમાયેલી પહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે 10 વિકેટથી જીત મેળવી લીધી. આ સાથે જ બે ટેસ્ટની સીરિઝમાં 1-0થી લીડ ન્યૂઝીલેન્ડને મળી ગઈ છે. દુનિયામાં દરેક જગ્યાએ સારું પરફોર્મ કરનારી રવિ શાસ્ત્રીની આ ટીમ બંને ઈનિંગ્સમાં મળીને કુલ 356 રન બનાવી શકી. પહેલી ઈનિંગ્સમાં ભારતે માત્ર 165 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડે પહેલી ઈનિંગ્સમાં જ 348 રન બનાવીને ભારત પર 183 રનની લીડ મેળવી લીધી હતી. ભારતીય બેટ્સમેનો બીજી ઈનિંગ્સમાં નિષ્ફળ રહ્યા અને માત્ર 191 રન જ બનાવી શક્યા જેથી કીવી ટીમને જીત માટે માત્ર 9 રન બનાવવાના હતા. તેણે કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના જ આ રન બનાવીને જીત મેળવી લીધી. ટોલ લાથમ 7 અને ટોમ બ્લંડલ 2 રન બનાવીને અણનમ રહ્યા. આ ન્યૂઝીલેન્ડની 100મી ટેસ્ટ જીત પણ છે.

ભારતે દિવસની શરૂઆત ચાર વિકેટના નુકસાન પર 144 રન સાથે કરી હતી. ટીમને સારા સ્કોર સુધી પહોંચાડવાની જવાબદારી વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે અને હનુમા વિહારી પર હતી. આ બંને ત્રીજા દિવસે ક્રમશઃ 25 અને 15 રન બનાવીને પાછા આવ્યા હતા. પરંતુ ટીમના ખાતામાં 3 રન જોડાયા બાદ વિહારી આઉટ થઈ ગયો. વિહારને સાઉથીએ બોલ્ડ કર્યો. રવિચંદ્રન અશ્વિન પણ સાઉથીનો શિકાર બન્યો. તે પછી ઈશાંત શર્માએ થોડા રન બનાવવાનો પ્રયાસ કર્યો, તે કોલિન ડી ગ્રાન્ડહોમનો શિકાર બન્યો. તેણે બે ચોગ્ગાની મદદથી 12 રન બનાવ્યા. તેના પછી રહાણે પણ આઉટ થઈ ગયો. રહાણેએ 75 બોલમાં 29 રન બનાવ્યા હતા. રિષભ પંતની 25 રનની ઈનિંગ્સે કુલ સ્કોર 191 સુધી પહોંચાડ્યો.

ન્યૂઝીલેન્ડ માટે ટીમ સાઉથીએ બીજી ઈનિંગ્સમાં 5 વિકેટ લીધી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટે 4 વિકેટ લીધી. સાઉથીએ પહેલી ઈનિંગ્સમાં પણ 4 વિકેટ લીધી હતી. આમ તેણે મેચમાં કુલ 9 વિકેટ ઝડપી. આ પહેલા ભારત માટે ઈશાંત શર્માએ સારી બોલિંગ કરતા ન્યૂઝીલેન્ડની પહેલી ઈનિંગ્સમાં 5 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિચંદ્રન અશ્વિનને 3 વિકેટ મળી હતી. મેચ બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, અમે આ મેચમાં બિલકુલ લડત આપી શક્યા નહોતા. જો અમે કીવી ટીમ સામે 220-230 રનનો ટાર્ગેટ મૂક્યો હોત તો સારું થયું હોત. કોહલીએ કહ્યું- ભારતીય ટીમ આગામી મેચમાં સારું પ્રદર્શન કરશે.