મેલેનિયા ટ્રમ્પ સફેદ જંપસૂટ પહેરીને અમદાવાદ આવ્યા, ભારત સાથે આ ડ્રેસનું અલગ કનેક્શન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ સોમવારે સવારે બે દિવસીય ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા ટ્રમ્પ, દીકરી ઈવાંકા ટ્રમ્પ અને જમાઈ જેરેડ સાથે ભારત આવ્યા છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પીએમ મોદીએ મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર અમેરિકાના ફર્સ્ટ ફેમિલીની ઝલક જોવા મળી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની અને અમેરિકાના ફર્સ્ટ લેડી વ્હાઈટ રંગના જંપસૂટમાં જોવા મળ્યા હતા. સાથે જ કમર પર ગ્રીન રંગનો બેલ્ટ પહેર્યો હતો. સફેદ રંગને શાંતિનો પ્રતીક માનવામાં આવે છે. મેલાનિયા ટ્રમ્પના ડ્રેસની વાત કરીએ તો મેલાનિયાનો વ્હાઈટ જંપસૂટ હેર્વે પિયરે નામના જાણીતા અમેરિકન ફેશન ડિઝાઈનરે ડિઝાઈન કર્યો છે.

અમેરિકાના ફર્સ્ટ લેડી ભારત પ્રવાસે છે ત્યારે તેમના કપડાંને પણ થોડી ભારતીય છાંટ આપવામાં આવે છે. મેલાનિયાએ કમર પર જે બ્રોકેટનો ફેબરિક બેલ્ટ બાંધ્યો છે તે વિશે ડિઝાઈનરે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મૂકીને જણાવ્યું છે. ડિઝાઈનર હેર્વે પિયરેના મતે મેલાનિયાએ કમર પર પહેરેલો બેલ્ટ ભારતીય પરિધાનનો એક ભાગ છે. જેનું 20મી સદીના પ્રારંભમાં ખાસ્સું ચલણ હતું. હેર્વે પિયરેને આ બેલ્ટ વિશે માહિતી પેરિસમાંથી તેમના કેટલાક મિત્રો થકી મળી હતી. આ બેલ્ટ ગ્રીન સિલ્ક અને ગોલ્ડ મેટાલિક દોરાથી તૈયાર કરાયો છે. બેલ્ટની બોર્ડર તેના લૂકને ઉઠાવ આપે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ બ્લેક રંગના સૂટ અને લેમન યલો રંગની ટાઈ પહેરીને આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ટાઈનો રંગ એક અલગ જ કહાની દર્શાવે છે. પશ્ચિમના દેશોમાં લેમન યલો રંગને આશાનું પ્રતીક માનવામાં આવે છે. મતલબ કે ડોનાલ્ડ ટ્રમ્પને ભારત પાસે ઘણી જ આશા હશે. ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાંકાએ ભારત પ્રવાસના પહેલા દિવસે બેબી બ્લૂ રંગનો રેડ ફ્લોરલ પ્રિન્ટ મિનિ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ Proneza Schoulder દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે ઈવાંકાએ આ ડ્રેસ પહેર્યો હોય. મીડિયા રિપોર્ટ પ્રમાણે, અગાઉ આ જ ડ્રેસ ઈવાંકાએ આર્જેન્ટિનામાં પહેર્યો હતો. સપ્ટેમ્બર 2019માં આર્જેન્ટિનાની મુલાકાત વખતે ઈવાંકાએ આ ડ્રેસ પહેર્યો હતો.