ગાંધી આશ્રમ જનારા ટ્રમ્પ સૌ પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા, જોયા ગાંધીજીના ત્રણ વાંદરા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડોનાલ્ટ ટ્રમ્પે આશ્રમમાં ગાંધીજીના દરેક વસ્તુના દર્શન કર્યા હતા. મુલાકાત સમયે તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી સાથે હતા. ટ્રમ્પે ગાંધીના ત્રણ વાંદરોને પણ જોયા. પીએમ મોદીએ ગાંધીજીના ત્રણ વાંદરા બતાવ્યા હતા.

આશ્રમમાંથી નીકળતી વખતે ટ્રમ્પે વિઝીટર બૂકમાં સંદેશો લખ્યો હતો. ટ્રમ્પે વિઝીટર બૂકમાં વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. ટ્રમ્પે વિઝીટર બૂકમાં લખ્યું મારા અદ્દભૂત મિત્ર પીએમ નરેન્દ્ર મોદી માટે, આ બેનમૂન પ્રવાસ માટે આભાર. જોકે, વિઝીટર બૂકમાં તેમણે ગાંધીજી માટે કશું લખ્યું નહીં.

ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેનારા પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા હતા. 2001માં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે બિલ ક્લિન્ટને અમદાવાદની ટૂંકી મુલાકાત લીધી હતી. કચ્છ-ભૂજમાં આવેલા ભૂકંપના કારણે ક્લિન્ટને મુલાકાત ટૂંકાવી દીધી હતી. ક્લિન્ટન ગાંધી આશ્રમની મુલાકાત લઈ શક્યા ન હતા.

ટ્રમ્પ અમેરિકાના સાતમા રાષ્ટ્રપતિ છે જે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ટ્રમ્પ પહેલાં ડ્વાઈટ એઝનહોવર(1959), રિચર્ડ નિક્સન(1969), જિમ્મી કાર્ટર(1978) બિલ ક્લિન્ટન(2000), જ્યોર્જ બુશ(2006) અને બરાક ઓબામા. ઓબામા બે વખત ભારત આવ્યા હતા. 2010 અને 2015માં એમ બે વખત ઓબામા પ્રજાસત્તાક પર્વે ભારતના મહેમાન બન્યા હતા.

22 કિમી લાંબો રોડ શો યોજીને ટ્રમ્પ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા અને ત્યાં લગભગ 25 મીનીટ રોકાયા હતા. ગાંધી આશ્રમમાં ગાંધીજીના કોટેજ હૃહય કુંજના દર્શન કર્યા, ચરખો કાંત્યો. ત્યાર બાદ ગાંધીજીએ 1918થી 1930 દરમિયાન જ્યાં બેસીના પૂજા કરી હતી તે ઉપાસના મંદિરની મુલાકાત લીધી હતી.