ગુજરાતની ધરતી પર ટ્રમ્પમાંનો વેપારી જીવ જાગ્યો : અમેરિકા ભારતને અત્યાધુનિક હથિયાર વેચવા તૈયાર

ભારતનો પ્રવાસ શરુ કરતા પહેલા બંને દેશ વચ્ચે કોઈ ટ્રેડ ડીલ થશે કે નહીં તે નક્કી નથી તેવું કહેનારા ટ્રમ્પ અમદાવાદમાં આવ્યા તેની સાથે જ ગુજરાતની ધરતી પર તેમનામાં અચાનક વેપારી જીવ જાગ્યો હતો અને તેમણે કહ્યું હતું કે અમેરિકા સંરક્ષણ ક્ષેત્રે અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ હથિયારો બનાવી રહ્યું છે. આ હથિયારો તે ભારતને આ હથિયારો આપવા માટે ઉત્સુક છે. તેમણે કહ્યું હતું કે આવતીકાલે અમારા પ્રતિનિધિઓ 3 અબજ ડોલરના સોદા પર હસ્તાક્ષર કરશે.

આ પ્રવાસમાં બંને દેશો વચ્ચે વેપારને લગતી મહત્વપૂર્ણ વાતો થશે તેમ કહેતા ટ્રમ્પે કહ્યું હતું કે અગાઉ ક્યારેય ના થઈ હોય તેવી ટ્રેડ ડીલ ભારત અને અમેરિકા વચ્ચે થશે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે મોદી સાથે ડીલ કરવી ઘણી મુશ્કેલ છે. બંને દેશ વચ્ચેનો વેપાર 40 ટકાથી પણ વધ્યો છે તેમ કહેતા ટ્રમ્પે કહ્યુ હતું કે અમેરિકા માટે ભારત મોટું બજાર છે, અને ભારત માટે અમેરિકા સૌથી મોટું નિકાસ બજાર છે. અમેરિકાનું આગળ ધપી રહેલું અર્થતંત્ર ભારત માટે સારી વાત છે. મોદીના વખાણ કરતા ટ્રમ્પે કહ્યું હતું કે તેમની આગેવાનીમાં ભારતનું અર્થતંત્ર ફુલ્યુફાલ્યું છે.

અમેરિકા અને ભારત અવકાશ ક્ષેત્રે પણ સાથે કામ કરી રહ્યા હોવાનું જણાવતા કહ્યું હતું કે અમેરિકા ભારત સાથે તેના પર કામ કરવા તૈયાર છે. ચંદ્રયાનનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું હતું કે ભારતે અવકાશ ક્ષેત્રે ખૂબ જ સારું કામ કર્યું છે. આતંકવાદનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અને અમેરિકા આતંકવાદ તેમજ તેમની વિચારધારા સામે લડવા માટે કટિબદ્ધ છે. આ કારણે જ તેમની સરકાર પાકિસ્તાન સાથે મળીને આતંકવાદીઓ પર સખ્તી વધારી રહી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમારા પાકિસ્તાન સાથે સારા સંબંધ છે, અને તેના કારણે જ અમે આતંકવાદને ખતમ કરવાના રસ્તે સારો પ્રોગ્રેસ કરી રહ્યા છીએ. જેના થકી દક્ષિણ એશિયામાં તણાવ ઘટે અને સૌહાર્દ જળવાઈ રહેશે તેવી આશા છે.