આ યુવાને મૌજપુરમાં છોડી હતી ગોળીઓ, 37 પોલીસવાળાને ઈજા, ACP પણ હોસ્પિટલમાં દાખલ

દિલ્હીમાં CAAનો વિવાદ હિંસામાં પરિણમ્યો છે.CAA વિરોધીઓ અને સમર્થકો વચ્ચે આમને સામને અથડામણો થઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યારે ભારત પ્રવાસે છે ત્યારે દિલ્હીની હિંસાની લપેટમાં આવતા ભારે દેકારો મચી ગયો છે.

અચાનક રસ્તા પર દોડી આવેલા યુવાને ધડાધડ ગોળીઓ છોડી હતી. હવે તેનો ફોટો સામે આવ્યો છે. આ યુવાનની ગોળીથી હેડ પોલીસ કોન્સ્ટેબલને ગોળી વાગી હોવાનું બહાર આવી રહ્યું છે. હાલ જાફરાબાદ, મૌજપુર, ચાંદ બાગ, ભજનપુરા, કરાવલ નગરમાં ભારે તંગદીલી જોવા મળી રહી છે. વધારાની પોલીસ ખડકી દેવામાં આવી છે અને તોફાની તત્વો પર કાબૂ મેળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જે યુવાને આડેધડ ગોળીઓ છોડી હતી તેનો ફોટો  અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવાને કમ્પાઉન્ડ વોલ પર ચઢીને ફાયરીંગ કર્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ દ્વારા તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં તેણે ફાયરીંગ કરવાનું જારી રાખ્યું હતું.

દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટનામાં 37 પોલીસવાળાને ઈજા થઈ છે અને ગોકુલપુરીના એસીપીને પણ ઈજા પહોંચી છે. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.