હજારો જાપાનીઓએ અપનાવ્યો જૈન ધર્મ : દર વર્ષે આવે છે પાલીતાણાની તીર્થયાત્રાએ

હજારો જાપાની લોકો જૈન ધર્મ પાળી રહ્યા છે. સફેદ પંચિયું પહેરીને તેઓ નવકાર મંત્રનો જાપ કરે છે, ભોજનમાં પરેજી પાળે છે, સૂર્યોદય પહેલા ઉઠી જાય છે, ઉકાળેલું પાણી પીવે છે, કલાકો દેરાસરમાં બેસીને ધ્યાન ધરે છે અને સૂર્યાસ્ત પહેલા જમી લે છે. જૈન સાધુએ તરીકે રહેવા ઉપરાંત તેઓના કેલેન્ડરમાં ભારતની વાર્ષિક મુલાકાતની નોંધ કરીને રાખે છે. તેઓ દર વર્ષે ભારત આવે જૈન ધર્મના પુસ્તકોનો અભ્યાસ કરે છે અને મહારાજ સાહેબ પાસેથી જ્ઞાન મેળવે છે.

સાતમી સદીના ઝેનકો-જી મંદિરનું ઘર કહેવાતા નગાનાકેન શહેરમાં સેંકડો જાપાની લોકો દર વર્ષે જૈન તીર્થયાત્રા માટે પાલીતાણા અને શંખેશ્વર આવે છે. ચુરૂસી મિયાઝાવા 2005માં ભારતમાં ફરવા આવી હતી. ત્યારે વરિષ્ઠ જૈન સાધુ ગચ્છાધિપતિ સ્વર્ગીય જયંતસેન સુરીશ્વરજી મહારાજ સાહેબ સાથે થઈ હતી. તેમણે તેમને જૈન ધર્મમાં તરફ પ્રેરી હતી. મહારાજ સાહેબના પ્રવચનની ચુરૂસીના મનમાં એવી અસર થઈ કે તેણે પોતાનો ભૂતકાળ પાછળ છોડીને સાદગીપૂર્ણ જીવન વિતાવવાનું નક્કી કર્યું. અગાઉ જે સુખ-સગવડો ભોગવતી હતી તે તમામનો ત્યાગ કર્યો અને જૈન સાધ્વી તરીકે જીવન જીવવાનો નિશ્ચય કર્યો. તુલસી તરીકે નવું જીવન શરૂ કર્યું.

ચુરૂસી દીક્ષા લેવા માગતી હતી અને આ નિર્ણય પર અડગ હતી.  તુલસીએ જણાવ્યું, “મારા ગુરુએ મને સૌથી મોટું કામ સોંપ્યું એ હતું જાપાનમાં જૈન ધર્મનો ફેલાવો કરવાનું. ત્યારથી જ હું એક વર્ષમાં ચારથી પાંચવાર ભારત આવું છે. મારી સાથે સેંકડો જાપાની લોકો હોય છે જેઓ જૈન ધર્મ સ્વીકારવા તૈયાર હોય છે.” નગાનાકેનમાં જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર થયા બાદ ઓસાકા અને ટોક્યોમાં પણ જૈન ધર્મનો ફેલાવો થઈ રહ્યો છે.

હજારો જાપાનીઓએ જૈન ધર્મ સ્વીકાર્યો છે ઉપરાંત ઘણાં તો દીક્ષા લેવાની તૈયારી કરી રહ્યા છે. પરંપરાગત નિયમો હેઠળ કપરી તાલીમ પછી દીક્ષા આપવામાં આવે છે. દીક્ષાર્થીઓ સાધુઓ સાથે દેરાસરમાં રહે છે. આ પ્રાથમિક તબક્કો 6 મહિનાથી 10 વર્ષ વચ્ચેનો હોઈ શકે છે, તેમ બાબુલાલ જૈન-ઉજ્જવલે જણાવ્યું.