નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે મોટેરા સ્ટેડિયમમાં ઉભા કરાયેલા બે વિશાળ ગેટ તૂટી પડ્યા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અમદાવાદની ધરતી પર પગ મૂકે તે આડે હવે હવે 24 કલાક કરતા ઓછા સમય રહ્યો છે ત્યારે અમદાવાદ એરપોર્ટથી લઈને મોટેરા સ્ટેડિયમ અને રેલીના રૂટ પર અંતિમ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તૈયારીઓની વચ્ચે વિશ્વના સૌથી વિશાળ મોટેરા સ્ટેડિયમ પાસે વડાપ્રધાન મોદી અને ટ્રમ્પના સ્વાગત માટે ઉભા કરાયેલા બે વિશાળ ગેટ તૂટી પડ્યા છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ.

ટ્રમ્પ અને મોદીની તસવીર તથા ભારત અને અમેરિકાની મિત્રતાને દર્શાવતી તસવીરો સાથે ઉભા કરાયેલા બે વિશાળ ગેટ તૂટી પડવાની ઘટનાએ લોકોના જીવ અધ્ધર કરી દીધા છે. આ ગેટ એટલો વિશાળ છે કે કોઈ વ્યક્તિ પર પડ્યો હોય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. આ ગેટ તૂટી પડ્યાના સ્થાનિક ખાનગી ન્યૂઝ ચેનલ પર રજૂ કરાયેલા અહેવાલ મુજબ ભારે પવનના કારણે આ ગેટ તૂટી પડ્યા છે. આજ ગેટમાંથી જ વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમમાં જવાના હતા.

લોખંડનો આ ગેટ એટલો ભારે છે કે જો કોઈની ઉપર પડ્યો હોત તો ગંભીર ઈજાથી લઈને જીવ પણ જઈ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. આ ગેટ પડ્યો ત્યારે ત્યાં ઉભેલી પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી. મહત્વનું છે કે, આજે અમીત શાહ પણ સ્ટેડિયમ સહિત વિવિધ જગ્યાઓ પર કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરશે. શાહ પણ આજે તૂટી પડેલા ગેટવાળી જગ્યાએ સ્ટેડિયમ સુધીની મુલાકાત લેવાના હતા તે પહેલા જ આ દુર્ઘટના સર્જાઈ છે.