એન્ટાર્ક્ટિકાના ટાપુનો 20 ટકા બરફ ફક્ત દસ દિવસમાં જ પીગળી ગયો, આ છે કારણ

ફેબ્રુઆરીમાં તાપમાન ગરમ બનતા એન્ટાર્કટિક સમુદ્રના એક ટાપુનો ૨૦ ટકા જેટલો બરફ ફક્ત દસ દિવસની અંદર જ પીગળી ગયો છે તેવી આઘાત જનક સેટેલાઇટ તસવીરો બહાર આવી છે. અમેરિકાની અવકાશ સંસ્થા નાસાના લેન્ડસેટ-૮ ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલી તસવીરો દર્શાવે છે કે એન્ટાર્કટિકાના ઇગલ ટાપુ પરના બરફનો ૨૦ ટકા જેટલો બરફ ફક્ત દસ દિવસની અંદર જ પીગળી ગયો છે. વિક્રમ સર્જક તાપમાનને કારણે આવું બન્યું છે.

લેન્ડસેટ-૮ સેટેલાઇટના ઓપરેશન લેન્ડ ઇમેજર દ્વારા ૪ અને ૧૩ ફેબ્રુઆરીના રોજ આ તસવીરો લેવામાં આવી હતી. અવકાશમાંથી લેવામાં આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે ઇગલ ટાપુનો ૨૦ ટકા જેટલો બરફ પીગળી ગયો છે અને બરફના પાણીના તળાવ રચાયા છે. અહીં પ ફેબ્રુઆરીથી ગરમીનું મોજું શરૂ થયું હતું અને ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલુ રહ્યું હતું અને ૬ ફેબ્રુઆરીએ તેમાં પરાકાષ્ઠા આવી હતી જેમાં તાપમાન વિક્રમી ૬૪.૯ ફેરનહિટ પર પહોંચ્યુ હતું, આ એટલું જ તાપમાન છે જેટલું તાપમાન અહીંથી ઘણે દક્ષિણે આવેલા લોસ એન્જેલસ શહેરમાં આ સમયે હોય છે. તાજેતરના વર્ષોમાં ઉત્તર ધ્રુવ નજીકના આ વિસ્તારમાં ગરમીના મોજા એ સામાન્ય બાબત બની છે અને આ વર્ષે સતત ત્રીજા વર્ષે આવું ગરમીનું મોજું સર્જાયું છે.