બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં આ વખતે 82 હજારનો ઘટાડો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2020માં લેવામાં આવનારી પરીક્ષા માટે પ્રથમ વખત ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. અત્યાર સુધી દરવર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળતો હતો.

આ વખતે ધો.10માં જંગી 72 હજાર જેટલા વિદ્યાર્થી ગતવર્ષ કરતા ઓછા નોંધાયા છે. ધો.12 સાયન્સમાં 4 હજાર વિદ્યાર્થીઓ અને ધો.12 સામાન્ય પ્રવાહમાં પણ 6 હજાર વિદ્યાર્થી ઘટ્યા છે. આમ, કુલ 82 હજાર વિદ્યાર્થી ઘટ્યા છે. અત્યાર સુધી બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.10 અને 12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા ગતવર્ષ કરતા વધતી હતી. પરંતુ આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

આ વખતે ધો.10માં 10.87 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે 2019ની પરીક્ષા વખતે ધો.10માં 11.59 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આમ, ગતવર્ષ કરતા આ વખતે ધો.10માં 72 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. 2018માં ધો.10ની પરીક્ષામાં 11.03 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આમ, 2018ની સરખામણીમાં પણ ચાલુ વર્ષે 16 હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા હોવાનું જાણવા મળે છે.

ધો.10માં છેલ્લા ચાર વર્ષમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં પ્રથમ વખત આંકડો 11 લાખ કરતા ઓછો થયો છે. આ પહેલા 2019, 2018 અને 2017માં ધો.10ના વિદ્યાર્થીઓની સંખ્યા 11 લાખ કરતા વધુ હતી. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં આ વખતે ધો.12 સામાન્ય પ્રવાહમાં 5.27 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ગત વર્ષે એટલે કે, 2019માં ધો.12 સામાન્ય પ્રવાહ માટે 5.33 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આમ, ગતવર્ષ કરતા આ વખતે ધો.12 સામાન્ય પ્રવાહમાં 6 હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે.

2018માં ધો.12 સામાન્ય પ્રવાહમાં માત્ર 4.76 લાખ વિદ્યાર્થીઓ જ નોંધાયા હતા. જ્યારે ધો.12 સાયન્સની વાત કરીએ તો ચાલુ વર્ષે 1.43 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે 2019માં ધો.12 સાયન્સમાં 1.47 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સાયન્સમાં પણ 4 હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. આમ, ધો.10માં 72 હજાર, સાયન્સમાં 4 હજાર અને સામાન્ય પ્રવાહમાં 6 હજાર મળી આ વખતે 82 હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે.