રાજનાથસિંહ બોલ્યા” મુસ્લિમો અમારા ભાઈ છે અને જિગરના ટૂકડા છે”

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની વિચારધારાનો ઉલ્લેખ કરતા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે મુસ્લિમો જિગરના ટુકડા છે અને સાંપ્રદાયિક રાજકારણનો કોઈ સવાલ જ નથી. મીડિયા સાથેની મુલાકાતમાં સંરક્ષણ પ્રધાને મોદી સરકાર ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ છે તેવી વાતોને નકારી હતી.

મેરઠ અને મેંગલુરુમાં તેમની બે મેગા રેલીઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ‘મેં પહેલા મારા મેરઠ અને મેંગલુરુ રેલીઓમાં કહ્યું છે કે મુસ્લિમો ભારતના નાગરિકો છે અને આપણા ભાઈઓ છે. તે આપણા જિગરના ટુકડા છે. રાજનાથસિંહે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે શરૂઆતથી જ મુસ્લિમ નાગરિકોમાં ભય દૂર કરવા અને વિશ્વાસ વધારવાનો પ્રયાસ કર્યો છે.

સંરક્ષણ પ્રધાને કહ્યું, ‘કેટલીક એવી શક્તિઓ છે જે તેમને ગેરમાર્ગે દોરી રહી છે પરંતુ ભાજપ કોઈ પણ સંજોગોમાં ભારતના લઘુમતીઓ વિરુદ્વ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆતથી જ ‘સબકા સાથ, સબકા વિકાસ’ નો નારો આપ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘જાતિ, ધર્મ અને રંગના આધારે ભેદભાવનો કોઈ સવાલ નથી. આપણે તેના વિશે વિચારી પણ ન શકીએ.

સાંપ્રદાયિક રાજકારણ માટે સ્વાર્થને જવાબદાર ઠેરવતા રાજનાથ સિંહે કહ્યું કે કેટલીક શક્તિઓ છે, જે ફક્ત વોટબેંક વિશે વિચારે છે. સાંપ્રદાયિક રાજકારણ માટે નેતાઓને ચેતવણી આપતા તેમણે કહ્યું કે, રાજકારણ માત્ર મતો માટે નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે થવું જોઈએ.