ગેંગસ્ટર રવિ પુજારી સાઉથ આફ્રિકામાંથી પકડાયો, આજે રાત્રે ભારત લવાશે, ગુજરાતમાં છે 26 કેસ

માફિયા ડોન છોટા રાજનની ગેંગનો ગેંગસ્ટર રવિ પૂજારીની સાઉથ આફ્રિકામાંથી ધરપકડ કરવામાં આવી છે. રવિ પૂજારીનું પ્રત્યાપર્ણ કરી આજે રાત્રે ભારત લાવવામાં આવે તેવી શક્યતા છે. કર્ણાટક પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ જાણકારી આપી હતી. એક સમયના માફિયા ડોન છોટા રાજનના જમણા હાથ મનાતા રવિ પૂજારી પર ભારતમાં ખંડણી અને હત્યાના 200 કેસ છે. આમાંથી ગુજરાતમાં ખંડણીના 26 કેસ નોંધાયેલા છે.

રવિ પુજારી ઘણીવાર ગુજરાતના બિલ્ડરો, વેપારીઓ, રાજકારણીઓ અને ઝવેરીઓને ફોન કરી ધમકાવતો હતો અને પૈસાની માંગણી કરતો હતો. ક્રાઈમબ્રાંચના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતના 70 લોકોને પુજારીએ નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે 3 થી 4 કેસમાં પીડિતોએ ખંડણીની રકમ ચૂકવી હતી. અન્ય લોકોએ હજી સુધી તેને પૈસા આપ્યા છે કે નહીં તે જણાઈ આવ્યું નથી.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં પ્રણેશ પટેલ પર ખંડણી અને ફાયરિંગના 26 કેસની તપાસ કરવામાં આવી રહી છે. આ કિસ્સાઓમાં રવિ પુજારીએ પોતે જવાબદારી સ્વીકારી છે. આ કેસોમાં પ્રત્યાર્પણની માંગ કરી હતી. ‘ સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ વિદેશ અને ગૃહ મંત્રાલય તથા સેનેગલ અધિકારીઓના સંપર્કમાં છે, જેથી ગેંગસ્ટરને શોધી શકાય.

રવિ પૂજારીનું ગઈ વખતે પ્રત્યાપર્ણ કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હતી ત્યારે તે જામીન જમ્પ કરીને સેનેગલમાંથી ફરાર થઈ ગયો હતો. રવિ પૂજારી અચાનક ભાગી જતા ઈન્ટેલિન્સ એજન્સીઓ તેની તપાસમાં લાગી ગઈ હતી. આખરે રવિ પૂજારીને સાઉથ આફ્રિકામાંથી જ પકડી પાડવામાં આવ્યો છે. હવે સેનેગલથી તેનું પ્રત્યાપર્ણ કરવામાં આવી રહ્યું છે.