ટ્રમ્પની અમદાવાદ મુલાકત, સિક્યુરીટી રિહર્સલ, રોડ શોની ફાઈનલ તૈયારી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24મીએ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે રવિવારે સિક્યુરીટી રિહર્સલ કરીને રોડ શોને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા હતા અને તેમણે અમેરિકા પ્રમુખની મુલાકાત માટેની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આજે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટ્રમ્પ રોડ શોમાં ભાગ લેશે અને મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજર રહી લોકોને સંબોધન કરશે. યુએસ પ્રમુખ પણ સાબરમતી આશ્રમની મુલાકાતે આવનાર છે. પીએમ મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનીયા માટે નદી કિનારે આશ્રમમાં ત્રણ વિશેષ ખુરશીઓ મુકવામાં આવી છે.

રવિવારે રાજ્ય અને સેન્ટ્રલ એજન્સીઓ તેમજ યુએસ સિક્રેટ સર્વિસના સુરક્ષા અધિકારીઓ સુરક્ષા વિગતોની દેખરેખ રાખવા આશ્રમમાં પહોંચ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા  અમેરિકાના મેરીલેન્ડના જોઇન્ટ બેઝથી આજે સાંજે બે દિવસીય ભારત હાઈપ્રોફાઈલ મુલાકાત માટે અમેરિકાથી રવાના થશે.