આવતીકાલે આટલા વાગ્યે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની ઘરતી પર પગ મૂકશે

જગતભરની નજર જેના પર છે તેવી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે અમદાવાદ આવી રહ્યા છે. અમદવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટેની તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી ગયા છે અને પીએમ મોદી આવી રહ્યા છે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો કાફલો બપોરે 11.55 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પર તેમનું સ્વાગત કરાશે. પીએમ મોદી સ્વાગત કરવા માટે એરપોર્ટ પહોંચશે. એરપોર્ટ પરથી સીધા બંને સીધા ગાંધી આશ્રમ જશે.

વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ ગાંધી આશ્રમમાં લગભગ અડધો કલાક જેટલો સમય ગાળશે. જે બાદ મોટેરા સ્ટેડિયમ જવા રવાના થશે. તેમને એરપોર્ટથી ગાંધી આશ્રમ અને મોઢેરાના 22 કિ.મીના રોડ શો દરમિયાન 28 રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીના દર્શન કરાવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટ્રમ્પ રોડ શોમાં ભાગ લેશે અને મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજર રહી લોકોને સંબોધન કરશે. યુએસ પ્રમુખ પણ સાબરમતી આશ્રમની મુલાકાતે આવનાર છે. પીએમ મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનીયા માટે નદી કિનારે આશ્રમમાં ત્રણ વિશેષ ખુરશીઓ મુકવામાં આવી છે.

રવિવારે રાજ્ય અને સેન્ટ્રલ એજન્સીઓ તેમજ યુએસ સિક્રેટ સર્વિસના સુરક્ષા અધિકારીઓ સુરક્ષા વિગતોની દેખરેખ રાખવા આશ્રમમાં પહોંચ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા અમેરિકાના મેરીલેન્ડના જોઇન્ટ બેઝથી આજે સાંજે ભારતની તેમની બે દિવસીય હાઈપ્રોફાઈલ મુલાકાત માટે અમેરિકાથી રવાના થશે.