રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો પડકાર, નેવાદાની ચૂંટણીમાં બર્ની સેન્ડર્સ બન્યા વિજેતા

નવેમ્બરમાં યોજાઈ રહેલી અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અમેરિકામાં કોકસની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ માટે સૌ પ્રથમ નેવાદા પ્રાંતની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં ડેમોક્રેટીક પાર્ટીના ઈન્ટરનલ ઈલેક્શનમાં બર્ની સેન્ડર્સે બાજી મારી લીધી છે. મોટા માર્જિન સાથે બર્ની સેન્ડર્સની જીત થઈ છે.

કોકસની પ્રક્રિયા પૂર્વે બર્ની પર રશિયા સાથે સાંઠગાંઠના અનેક આરોપ મૂકવામાં આવ્યા હતા પરંતુ આ આરોપનો સામનો કરીને બર્નીએ કોકસની પ્રક્રિયામાં નેવાદાની ચૂંટણીમા વિજય હાંસલ કરીને હાલના રાષ્ટ્રપતિ માટે મોટો પડકાર ફેંક્યો છે.

શનિવારે યોજાયેલી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં બર્ની સેન્ડર્સ લગભગ 40 ટકા મતો સાથે અગ્રેસર છે, ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન લગભગ 22 ટકા સાથે પાછળ છે, અને મતદાન પર નજર રાખતા મીડિયાએ તેમને વિજેતા જાહેર કર્યા હતા.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પડકારવા માટે બર્ની સેન્ડર્સ ફ્રન્ટ રનર બની રહ્યા છે. જોકે હજી વધુ 47 રાજ્યોમાં ઇન્ટ્રા-પાર્ટી ચૂંટણી યોજાવાની બાકી છે અને સ્થિતિ બદલાઈ શકે છે.

વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટમાં જણાવ્યા મુજબ અમેરિકી ગુપ્તચર અધિકારીઓના જણાવ્યા મુજબ રશિયા સેન્ડર્સના રાષ્ટ્રપતિ અભિયાનમાં મદદ કરવા પ્રયાસ કરી રહ્યું છે, અને અધિકારીઓએ એક મહિના પહેલા જ આ અંગે રિપોર્ટ આપ્યો હતો.

2016માં નેવાદામાં ટ્રમ્પની જીત માટે મોસ્કોને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. હિલેરી ક્લિન્ટનની હાર માટે મોસ્કોએ ટ્રમ્પને મદદ કરી હોવાના આરોપ લાગતા રહ્યા છે.

બર્ની સેન્ડર્સે રશિયાને સ્પષ્ટ રીતે સંદેશો આપ્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટિન અમેરિકાની ચૂંટણીથી દુર રહે. બર્ની સેન્ડર્સે રશિયાની મદદને નકારી કાઢી છે.